સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ટેન્ડર વગર 5 કરોડનું કામ, 180 પટ્ટાવાળા રાખવાની AMCની દરખાસ્ત મંજૂર

અમદાવાદ: ટેન્ડર વગર 5 કરોડનું કામ, 180 પટ્ટાવાળા રાખવાની AMCની દરખાસ્ત મંજૂર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ ટેન્ડર પ્રક્રિયા પૂરી કર્યા વિના 180 પટ્ટાવાળા (સફાઈ કામદાર) રાખવાની આશરે રૂ. 5 કરોડની દરખાસ્તને મંજૂરી આપી છે. આ કામ ત્રણ એજન્સીઓને આઉટસોર્સિંગ દ્વારા સોંપાશે, જેમાં દરેક એજન્સી 60 પટ્ટાવાળા પૂરા પાડશે. આ નિર્ણયથી કોર્પોરેશનના વહીવટમાં નિયમોના પાલન અને જવાબદારી અંગે પ્રશ્નો ઊભા થયા છે.

કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં પટ્ટાવાળાની અછતને કારણે આ પગલું લેવાયું હોવાનું જણાવાયું છે. દરખાસ્ત મુજબ, ત્રણેય એજન્સીઓ પાસેથી 60-60 પટ્ટાવાળા લેવામાં આવશે. તેમાંથી 9-9 કર્મચારીઓ સેક્રેટરી ઓફિસમાં અને બાકીના 51-51 કર્મચારીઓ અન્ય વિભાગોમાં ફાળવવામાં આવશે. આ સેવાઓ માટેના વર્ક ઓર્ડર અને પગારની ચુકવણી સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે.

આ મંજૂરી આગામી ત્રણ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની શરત સાથે આપવામાં આવી છે. જોકે, ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય તે પહેલાં જ એજન્સીઓ પાસેથી સેવા લેવાની જોગવાઈ અને કરારપત્ર ભરવા તથા ડિપોઝિટ જમા કરાવવાની શરતોમાંથી મુક્તિ આપવાના નિર્ણયથી નિયમોના પાલન અંગે શંકા વ્યક્ત થાય છે.

ઉલ્લેખનીય છે કે, 22 ઓગસ્ટ, 2025ના રોજ હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં પટ્ટાવાળાઓને આઉટસોર્સિંગથી રાખવા માટેની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. અગાઉની દરખાસ્તોમાં 164 પટ્ટાવાળા માટેના ખર્ચ અને 288 પટ્ટાવાળાને બે વર્ષ માટે રાખવાના ખર્ચનો ઉલ્લેખ હતો. આ ગણતરી મુજબ એક પટ્ટાવાળા પાછળ વાર્ષિક આશરે રૂ. 2.77 લાખ અને માસિક લગભગ રૂ. 23,150નો ખર્ચ થાય છે. જોકે, પટ્ટાવાળાને વાસ્તવમાં કેટલો પગાર મળે છે અને એજન્સીનો હિસ્સો કેટલો રહે છે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. પટ્ટાવાળાઓને માસિક રૂ. 12,000થી 15,000 સુધીનો પગાર મળતો હોવાની ચર્ચા વચ્ચે બાકીની રકમ અંગે પણ પ્રશ્નો થઈ રહ્યા છે.

કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટની મુદત પૂરી થયા બાદ નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ થતી હોવાની ચર્ચા અગાઉ પણ થતી રહી છે. નવા ટેન્ડર મંજૂર ન થાય ત્યાં સુધી જૂની એજન્સીઓ પાસેથી કામગીરી ચાલુ રાખવામાં આવતી હોવાના આક્ષેપો પણ થાય છે. આ સ્થિતિમાં સમયસર ટેન્ડર પ્રક્રિયા પૂરી ન થવા પાછળ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે કે નહીં અને વચગાળાની વ્યવસ્થાનો લાભ કઈ એજન્સીઓને મળે છે તેવા પ્રશ્નો ઊભા થયા છે.