અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં પોલીસે દારૂની હેરાફેરીનો એક નવો કીમિયો પકડી પાડ્યો છે. બુટલેગરો દર્દીઓની હેરફેરમાં વપરાતી એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂની ખેપ મારતા હતા. બાબરા પોલીસે ઊટવડ નજીકથી આવી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી છે.
મળતી માહિતી અનુસાર, બાબરા પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો મોટો જથ્થો શંકાસ્પદ રીતે લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ઊટવડ ગામ નજીક વોચ ગોઠવીને GJ-05-AV-5525 નંબરની એમ્બ્યુલન્સને અટકાવી હતી. પોલીસે પાછળની દર્દીની કેબિનમાં તપાસ કરતાં ડ્રાઈવર સીટની પાછળ આવેલા સ્ટ્રેચર બેડની નીચે ખાસ બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું.
આ ચોરખાનામાંથી પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ 1968 બોટલ વિદેશી દારૂ જપ્ત કરી છે. આ દારૂની કિંમત 3,56,000 રૂપિયા આંકવામાં આવી છે. દારૂનો જથ્થો અને હેરફેરમાં વપરાયેલી એમ્બ્યુલન્સ સહિત પોલીસે કુલ 10,66,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે એમ્બ્યુલન્સ ચલાવતા ગોંડલના સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહિલ નામના બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં બાબરા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.