સત્ય. સાહસ. સંકલ્પ.

લાલબાગચા રાજાના દર્શને અંબાણી પરિવાર: નીતાનો પટોળા લુક, અનંત-આદિયાની મસ્તી

લાલબાગચા રાજાના દર્શને અંબાણી પરિવાર: નીતાનો પટોળા લુક, અનંત-આદિયાની મસ્તી

ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ અંબાણી પરિવારે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, પુત્ર અનંત અંબાણી અને દોહિત્રી આદિયા તથા દોહિત્ર કૃષ્ણા સાથે ગણપતિ બાપ્પાના દર્શન માટે પહોંચ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરિવારે બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

દર્શન દરમિયાન નીતા અંબાણીનો પરંપરાગત ગુજરાતી લુક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેમણે લાલ અને ઘેરા કેસરી રંગના 'ડબલ ઇક્કત' વણાટવાળા પટોળા સાથે મેચિંગ ઘેરા લાલ રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. ગુજરાતી સીધા પલ્લુની શૈલીમાં સજાવેલા આ પટોળા સાથે તેમણે ગણપતિ બાપ્પાની પ્રતિકૃતિવાળો ડાયમંડ નેકલેસ, મેચિંગ ઇયરરિંગ્સ, લાલ કાચની બંગડીઓ અને પન્નાની વીંટી પહેરી હતી. વાળમાં ફૂલોથી સજાવેલા અંબોળાએ તેમના લુકને પૂર્ણ કર્યો હતો.

નીતા અંબાણીએ તેમની દીકરી ઈશા અંબાણીના બાળકો સાથે ખાસ બોન્ડિંગ દર્શાવ્યું હતું. તેમણે દોહિત્રી આદિયાને તેડીને બાપ્પાના ચરણોમાં નમન કરાવ્યા હતા, જ્યારે નાનકડી આદિયા નાની સાથે મસ્તીના મૂડમાં જોવા મળી હતી. ત્યારબાદ તેમણે દોહિત્ર કૃષ્ણાને ખોળામાં લઈ મૂષક રાજ પાસે લઈ જઈને બાપ્પાની વાર્તા સંભળાવી હતી.

સોશિયલ મીડિયા પર અનંત અંબાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમના ભાણેજ કૃષ્ણાને પગે લગાડીને તિલક કરતા જોવા મળે છે. જોકે, ભાણી આદિયાને તિલક કરવા માટે અનંતને ભારે મથામણ કરવી પડી હતી. નાનકડી આદિયા વારંવાર મામા સાથે રમત કરતી હતી અને તિલક લગાવવા દેતી નહોતી.

નાની નીતા અંબાણીની જેમ જ આદિયા પણ ખૂબ આકર્ષક લુકમાં જોવા મળી હતી. તેણે પિંક કલરના લહેરિયા પ્રિન્ટનો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો અને ચોટલામાં ગુલાબી ફૂલો ગૂંથેલા હતા. તેનો જોડિયા ભાઈ કૃષ્ણા પણ વાદળી રંગના લહેરિયા પ્રિન્ટના કુર્તા-પાયજામામાં ક્યૂટ લાગી રહ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાણી પરિવારે તેમના ઘર 'એન્ટિલિયા'માં ગણેશજીની સ્થાપના કરી હતી. મૂર્તિના સ્વાગત દરમિયાન એન્ટિલિયા ગલગોટાના ફૂલો, ભવ્ય લાઇટિંગ અને તહેવારોની સજાવટથી ઝગમગી ઉઠ્યું હતું. આ પ્રસંગે નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી અને મુકેશ અંબાણી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. ગણપતિ બાપ્પાના ટ્રકને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. શાહરુખ ખાન અને રણવીર સિંહ અંબાણી પરિવારની ગણપતિ આરતીમાં સામેલ થયા હતા. નાની વહુ રાધિકા મર્ચન્ટે ખાસ ગણેશ વંદના કરી હતી. ગણેશ વિસર્જનમાં દેરાણી-જેઠાણી રાધિકા અને શ્લોકાએ એકબીજાને ભેટીને ડાન્સ કર્યો હતો. નીતા અંબાણીએ બાપ્પાને દંડવત પ્રણામ કર્યા હતા.