સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાણી પરિવારે જન્માષ્ટમી ધામધૂમથી ઉજવી: ચાંદીના પારણે કાનુડાને ઝુલાવ્યા, ગરબા અને ગૌસેવા કરી

અંબાણી પરિવારે જન્માષ્ટમી ધામધૂમથી ઉજવી: ચાંદીના પારણે કાનુડાને ઝુલાવ્યા, ગરબા અને ગૌસેવા કરી

મુંબઈના એન્ટિલિયા ખાતે અંબાણી પરિવારે જન્માષ્ટમીનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવ્યો હતો. આ ઉજવણીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરિવારના સભ્યો કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા હતા.

ઉજવણી દરમિયાન ચાંદીના પારણામાં બાળગોપાલને ઝુલાવવામાં આવ્યા હતા. પારણાની નક્ષીકામ પર લાલ ફૂલોની સજાવટ કરવામાં આવી હતી અને દોરીને ફૂલોથી શણગારવામાં આવી હતી. પારણાની બાજુમાં શ્રીનાથજીની મૂર્તિને ચાંદીના આભૂષણો પહેરાવીને બિરાજમાન કરાઈ હતી અને ચાંદીના વાસણોમાં છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો હતો.

પારણાની પાછળ બાળગોપાલનું ચિત્ર મોતી, બિડ્સ અને સ્ટોન્સથી બનાવવામાં આવ્યું હતું, જેમાં શ્યામ, વાદળી, ગુલાબી, લીલા અને ગોલ્ડન રંગોનો ઉપયોગ કરાયો હતો. ચિત્રમાં ગુલાબી કમળ પણ દર્શાવવામાં આવ્યા હતા.

નીતા અંબાણીએ આ પ્રસંગે એક્વા બ્લુ રંગની બાંધણી સાડી પહેરી હતી, જેમાં ગોલ્ડન ઝરી કારીગરી અને પહોળી બોર્ડર હતી. સાડી સાથે ગુલાબી, વાદળી અને લીલા રંગના ફુમતાં હતા. તેમણે હીરા, પન્ના અને માણેકથી જડિત દાગીના પહેર્યા હતા.

પરિવારે ગરબા અને દાંડિયા રમીને પર્વની ઉજવણી કરી હતી. નીતા અંબાણી પોતાની વહુઓ શ્લોકા અને રાધિકા, દીકરી ઇશા અને વેવાણ મોના મહેતા સાથે ગરબે ઘૂમ્યાં હતાં. મુકેશ અંબાણીએ પણ દાંડિયારાસમાં ભાગ લીધો હતો.

કૃષ્ણજન્મ બાદ માખણની મટકી ફોડવામાં આવી હતી, જે આકાશ અંબાણીના બાળકો પૃથ્વી અને વેદાએ ફોડી હતી. તેમની માતા શ્લોકાએ તેમને સાથ આપ્યો હતો.

શ્રીકૃષ્ણને ગાયો પ્રિય હોવાથી અંબાણી પરિવારે ગૌસેવા પણ કરી હતી. અનંત અંબાણીએ પોતાના હાથે એન્ટિલિયામાં ગાયોને ભોજન કરાવ્યું હતું.