સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરમાં અંબાણી પરિવારની નવરાત્રિ ઉજવણી: નીતા, અનંત અને રાધિકાએ ગરબા રમીને માહોલમાં ચાર ચાંદ લગાવ્યા

જામનગરમાં અંબાણી પરિવારની નવરાત્રિ ઉજવણી: નીતા, અનંત અને રાધિકાએ ગરબા રમીને માહોલમાં ચાર ચાંદ લગાવ્યા

જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અંબાણી પરિવારે હાજરી આપીને ઉત્સવની રોનકમાં વધારો કર્યો હતો. પરિવારના આગમન સમયે આતશબાજી સાથે લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સ્ટેજ પરથી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ઉપસ્થિત તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન રાધિકા મર્ચન્ટે સ્ટેજ પરથી પોતાનો વાઈરલ સંવાદ બોલતા કહ્યું, "એકદમ કૃષ્ણા લાગો છો", જેથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે જ ઉપસ્થિત સૌએ એકસાથે રાધિકાને 'હેપ્પી બર્થડે'ની શુભેચ્છા પાઠવી હતી.

નવરાત્રિના પાવન પર્વ પર નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સ્ટેજ પર પરંપરાગત ગરબાના તાલે ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે એકસાથે ગરબા રમીને મનોરમ દૃશ્યો સર્જ્યા હતા.

અંબાણી પરિવારના તમામ સભ્યોએ હાથ જોડીને ઉપસ્થિત ખેલૈયાઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉત્સવમાં રિલાયન્સ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર માહોલ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યો હતો.

આ મહોત્સવ દરમિયાન મુકેશ અંબાણીએ સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરતા જૂની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી જામનગર સાથે જોડાયેલા છે અને 1995માં નીતા અંબાણી પહેલીવાર અહીં આવ્યા હતા.

આ પ્રસંગે નીતા અંબાણી, અનંત અંબાણી અને મુકેશ અંબાણીએ "જયશ્રી કૃષ્ણ" અને "જય અંબેમા"ના નારા સાથે તમામ ખેલૈયાઓને આઠમના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા ઉત્સાહ અને આનંદ સાથે ગરબા રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.