ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદ અને ચક્રવાત અંગે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, 20 ઓક્ટોબર સુધી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી હવામાન પ્રણાલી સક્રિય થશે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ઓક્ટોબરના અંતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
આગાહી મુજબ, 20 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસાદની સંભાવના છે. ગીર સોમનાથ, દ્વારકા, જામનગર અને કચ્છમાં પણ હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના નડિયાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વાતાવરણ વાદળછાયું રહેશે, જેના કારણે ઉકળાટ થઈ શકે છે.
દરમિયાન, પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બરડા પંથકના સોઢાણા, અડવાણા, સીમર અને રાજીવાડા ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ સમયે ખેતરોમાં મગફળીનો પાક લેવાઈ રહ્યો છે, અને વરસાદને કારણે મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા ગામ અને આસપાસના વિસ્તારોમાં પણ પવન સાથે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. કચ્છ જિલ્લામાં પણ છેલ્લા 10 દિવસથી ગરમીથી પરેશાન લોકોને સાંજે વાતાવરણમાં પલટો આવતાં રાહત થઈ હતી. મુન્દ્રાના મોખા ટોલનાકા વિસ્તારમાં બપોર બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેનાથી ઠંડક પ્રસરી હતી.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર થઈ શકે છે. ખેડૂતોએ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.