બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યું છે. કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન 13-14 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે છે અને 14 નવેમ્બરે તેઓ અંબાજી મંદિરમાં દર્શન અને પૂજાવિધિ કરશે.
અધિક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલું જાહેરનામું 14 નવેમ્બર સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન અંબાજી તરફ જતા અને ત્યાંથી આવતા વાહનોને અસર થશે.
પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ:
હિંમતનગરથી અંબાજી થઈને આબુરોડ જતા વાહનોને હવે હડાદ-પાલનપુર મારફતે આબુરોડ જવું પડશે. તેવી જ રીતે, આબુરોડથી અંબાજી થઈને હિંમતનગર જતા વાહનચાલકોએ અંબાજીનો માર્ગ ટાળીને પાલનપુર થઈને હિંમતનગર જવું પડશે.
દર્શનાર્થીઓ માટે વૈકલ્પિક માર્ગ:
અંબાજી દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓએ પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. હિંમતનગરથી આવતા ભક્તો હડાદ-દાંતા મારફતે અંબાજી પહોંચી શકશે. જ્યારે પાલનપુર બાજુથી આવતા ભક્તો બાલારામ-વિરમપુર થઈને પાલનપુર-દાંતા માર્ગે અંબાજી જઈ શકશે.
વડાપ્રધાનનો પ્રવાસ કાર્યક્રમ:
વડાપ્રધાન મોદી 13 નવેમ્બરે રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને ત્યારબાદ ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 14 નવેમ્બરે સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ હેલિકોપ્ટર મારફતે અમદાવાદથી બનાસકાંઠા જવા રવાના થશે. બપોરે અંબાજી ખાતે દર્શન અને પૂજાવિધિ કરશે. સ્થાનિક તંત્ર સુરક્ષા અને વ્યવસ્થા માટે સંપૂર્ણ સતર્ક છે.