સત્ય. સાહસ. સંકલ્પ.

ભાદરવી પૂનમ પહેલાં અંબાજી મંદિર ટ્રસ્ટનો નિર્ણય: શિખર પર હવે માત્ર 5 મીટરની ધજા ચઢાવી શકાશે

ભાદરવી પૂનમ પહેલાં અંબાજી મંદિર ટ્રસ્ટનો નિર્ણય: શિખર પર હવે માત્ર 5 મીટરની ધજા ચઢાવી શકાશે

અંબાજીના ભાદરવી પૂનમ મેળાને થોડા જ દિવસો બાકી છે, ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર હવે મંદિરના શિખર પર માત્ર 5 મીટર (લગભગ 16.4 ફૂટ) લાંબી ધજા જ ચઢાવી શકાશે. આ અંગે તમામ શ્રદ્ધાળુઓ અને પદયાત્રી સંઘોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 5 મીટરથી વધુ લાંબી ધજા ન લાવે.

ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, જો કોઈ શ્રદ્ધાળુ 5 મીટરથી લાંબી ધજા લઈને આવશે, તો તે ધજા શિખર પર ચઢાવવામાં આવશે નહીં. તેના બદલે તે ધજાને માતાજીના ચરણોમાં અર્પણ કરીને મંદિરમાં રાખવામાં આવશે. ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં ટ્રસ્ટ દ્વારા પોતે જ 5 મીટરની ધજા પૂરી પાડીને તેને શિખર પર ચઢાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય ભાદરવી પૂનમ મેળા દરમિયાન થનારી ભારે ભીડના સંચાલન અને શ્રદ્ધાળુઓને સુચારુ દર્શન મળે તે માટે લેવામાં આવ્યો છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચે તેવી શક્યતા છે, એટલે આ નિયમ ભીડ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ છે. ટ્રસ્ટે તમામ ભક્તોને આ નિયમનું પાલન કરવા વિનંતી કરી છે.

નોંધનીય છે કે, ભાદરવી પૂનમ મેળા માટે હાલ 1600 થી વધુ પદયાત્રા સંઘો નોંધાયા છે. આ તમામ સંઘો ધજા સાથે અંબાજી પહોંચવાની તૈયારીમાં છે.