બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પરંપરાગત મોહનથાળ પ્રસાદને કેન્દ્રીય જીઆઈ રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક ઓળખ (GI) ટેગ આપવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અરજીના આધારે આ ટેગ ખાધ પદાર્થોની ક્લાસ-30 શ્રેણી હેઠળ એનાયત કરાયો છે. અધિકૃત દસ્તાવેજો મુજબ, 1 ઓક્ટોબર, 2026ના રોજ આ સર્ટિફિકેટ જારી કરવામાં આવ્યું છે.
આ સાથે અંબાજીનો મોહનથાળ દેશના સુપ્રસિદ્ધ અને વિશિષ્ટ મંદિર પ્રસાદોની યાદીમાં સ્થાન પામ્યો છે. તિરુપતિના લાડુ અને પલાનીના પંચામૃતમની જેમ હવે અંબાજીનો મોહનથાળ પણ કાનૂની સંરક્ષણ ધરાવતો પ્રસાદ બન્યો છે.
આ ઐતિહાસિક સિદ્ધિ નિમિત્તે નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજી દેવસ્થાન ખાતે વિશેષ સમારોહ યોજાશે. સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન યોજાનારા આ કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ તથા જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન્સના રજિસ્ટ્રાર પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત ઉપસ્થિત રહી ટ્રસ્ટને સત્તાવાર જીઆઈ સર્ટિફિકેટ અર્પણ કરશે.
જીઆઈ ટેગ મળવાથી હવે 'અંબાજી મોહનથાળ' નામના અનધિકૃત ઉપયોગ અથવા નકલ સામે કાનૂની સંરક્ષણ પ્રાપ્ત થયું છે. આનાથી પ્રસાદની ગુણવત્તા, શુદ્ધતા અને પરંપરાગત ઓળખ જાળવવામાં મદદ મળશે.