અંબાજીના મા અંબા મંદિરમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, ફરજ અને સેવાનો સુંદર સંગમ જોવા મળ્યો છે. મેળાના બીજા દિવસે મંદિર પરિસરમાં 'જય અંબે'ના નાદ વચ્ચે ફરજ પર તૈનાત પોલીસકર્મીઓએ સુરક્ષાની સાથે સ્વચ્છતાની જવાબદારી પણ નિભાવી હતી.
બપોરે મંદિરના પટ બંધ થયા બાદ, સુરક્ષામાં ડ્યુટી કરી રહેલા પોલીસ જવાનો અને મહિલા પોલીસકર્મીઓએ આરામ કરવાને બદલે મંદિરના સભામંડપમાં જાતે સફાઈ કામગીરી હાથ ધરી હતી. તેમણે હાથમાં સફાઈના સાધનો લઈને મંદિર પરિસરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપ્યું હતું.
પોલીસકર્મીઓની આ કામગીરી 'સ્વચ્છતા એ જ સેવા'ના સંદેશને સાકાર કરતી હતી. સુરક્ષા સાથે સ્વચ્છતાની જવાબદારી નિભાવવાના આ કાર્યને ઉચ્ચ અધિકારીઓએ પણ બિરદાવ્યું છે. મા અંબાના દરબારમાં ફરજ, ભક્તિ અને સેવાનો આ સમન્વય લોકોના ધ્યાનનું કેન્દ્ર બન્યો છે.