ગુજરાતી ફિલ્મ 'અંબાજી એક્સપ્રેસ'નું મુહૂર્ત શૂટિંગ તાજેતરમાં થયું છે. મુહૂર્ત શોટ સાથે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા અને મયૂર ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
સોશિયલ મીડિયા પર ફિલ્મના મુહૂર્તના ફોટા શેર કરીને જણાવવામાં આવ્યું છે કે, "માતાજીના ડેસ્ટિનેશન તરફ, માનતાની જર્ની શરૂ થઈ ગઈ છે."
ફિલ્મનું દિગ્દર્શન જય બોડાસ કરી રહ્યા છે, જ્યારે કલ્પેશ સોની અને કૃણાલ સોનીએ નિર્માણ કર્યું છે. કે.એસ. એન્ટરટેઇનમેન્ટ સ્ટુડિયો અને મહર્ષિ ગ્રૂપ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં ભાવિની જાની, અર્ચન ત્રિવેદી અને ધર્મેન્દ્ર ગોહિલ જેવા કલાકારો પણ છે.
ફિલ્મના મુહૂર્ત શોટ પહેલા પૂજા કરવામાં આવી હતી. ફિલ્મમાં જાનકી ચશ્મા પહેરેલી જોવા મળી શકે છે.
ફિલ્મ અર્ચના દેસાઈની નોવેલ 'અંબાજી એક્સપ્રેસ' પર આધારિત હોવાનું અનુમાન છે. નોવેલમાં જગ્ગુ (જાગૃતિ મહેતા)નો જન્મ અમદાવાદમાં થયો છે, પરંતુ તે અમેરિકામાં મોટી થાય છે અને ત્યાં MBBSનો અભ્યાસ કરે છે. જગ્ગુની માતાએ માનતા માની છે કે દીકરી ડૉક્ટર બનશે તો તે ચાલતા અંબાજી આવશે. વિદેશમાં મોટી થયેલી જગ્ગુ જ્યારે અંબાજી ચાલતા જાય છે ત્યારે તેને કેવા અનુભવો થાય છે તેની વાત નોવેલમાં કરવામાં આવી છે.