બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમ મહામેળા-2026માં મંગળવારે (22 સપ્ટેમ્બર) ત્રીજા દિવસે 450 ડ્રોનથી ભવ્ય લાઇટિંગ શો યોજાયો. અંબાજી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શો ચાચર ચોકમાં જોવા મળ્યો, જેમાં ડ્રોનના માધ્યમથી આકાશમાં માતાજીની આકૃતિ, શ્રી યંત્ર, ગબ્બર પર્વત અને મંદિર જેવી રચનાઓ પ્રદર્શિત કરાઈ. રંગબેરંગી લાઇટોથી સજ્જ આ ડ્રોન શો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.
આ શોએ આધુનિક ટેકનોલોજી અને અંબાજીની આધ્યાત્મિક પરંપરાનો સંગમ દર્શાવ્યો. મંદિર અને તેના પરિસર સહિત સમગ્ર અંબાજીમાં આકર્ષક લાઇટિંગ કરવામાં આવી છે. શો દરમિયાન મંદિરના ચાચર ચોકમાં બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ત્રણ દિવસમાં અંદાજે 16 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. મેળામાં પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આગામી દિવસે પણ સાંજે 8:00 વાગ્યે ચાચર ચોકમાં ડ્રોન શોનું આયોજન કરાયું છે.
સમગ્ર અંબાજી પરિસર 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યું છે. લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચી રહ્યા છે અને મેળો શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો છે.