સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં 43 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, 4528 ધ્વજા ચઢાવાઈ

અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં 43 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા, 4528 ધ્વજા ચઢાવાઈ

શક્તિપીઠ અંબાજી ખાતે 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલો ભાદરવી પૂનમ મહામેળો ભક્તિ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે સંપન્ન થયો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સત્તાવાર આંકડા મુજબ, સાત દિવસમાં કુલ 43,05,391 યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યા હતા.

23 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના દિવસે સૌથી વધુ 11,42,129 યાત્રિકોએ દર્શન કર્યા. આ દિવસે અંબાજી તરફ આવતા માર્ગો પર પદયાત્રીઓ અને વિવિધ સંઘોનો પ્રવાહ જોવા મળ્યો હતો. 'જય અંબે' અને 'બોલ માડી અંબે'ના જયઘોષથી યાત્રાધામ ગુંજી ઉઠ્યું હતું.

મેળા દરમિયાન 67,572 યાત્રિકોએ ગબ્બર રોપવેનો લાભ લીધો હતો. એસટી નિગમની 8,203 બસ ટ્રીપમાં 3,50,618 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. અન્નક્ષેત્રમાં 4,93,889 ભક્તોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદ લીધો હતો. તેમજ 32,31,263 મોહનથાળ અને 44,696 ચીકીના પેકેટનું વિતરણ કરાયું હતું.

મંદિરના શિખરે કુલ 4,528 ધ્વજાઓ ચઢાવવામાં આવી હતી. ભંડાર, ભેટ કાઉન્ટર અને ધાર્મિક સાહિત્ય કેન્દ્ર મારફતે સાત દિવસમાં 2,16,44,619 રૂપિયાની આવક નોંધાઈ હતી. જેમાં 36.5 ગ્રામ સોનું પણ મળ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા 3,05,214 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. બાળ સુરક્ષા હેઠળ 1,43,899 બાળકોની સુરક્ષા કામગીરી કરવામાં આવી હતી.

મેળાના પાંચમા દિવસે 24 સપ્ટેમ્બરે 7,23,831 યાત્રિકોએ દર્શન કર્યા હતા. તે દિવસે 9,060 યાત્રિકોએ રોપવેનો લાભ લીધો, એસટીની 1,036 ટ્રીપમાં 43,512 મુસાફરોએ પ્રવાસ કર્યો અને 781 ધ્વજાઓ ચઢાવવામાં આવી હતી. આ દિવસે અન્નક્ષેત્રમાં 52,334 ભક્તોએ ભોજન લીધું, 3,53,689 મોહનથાળ અને 6,326 ચીકી પેકેટનું વિતરણ થયું હતું. 36,18,506 રૂપિયાની આવક નોંધાઈ હતી.