અંબાજીના પવિત્ર ચાચર ચોકથી 'હું તો બોલીશ' કાર્યક્રમનો 2000મો એપિસોડ રજૂ થયો. ભાદરવી પૂનમના પાવન પર્વે શક્તિપીઠ અંબાજીમાં લાખો માઈભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચ્યા હતા.
મેળા દરમિયાન બનાસકાંઠા જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા સુરક્ષા, ટ્રાફિક, દર્શન, પાણી, સ્વચ્છતા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવા છતાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ દિવસ-રાત ખડે પગે ફરજ બજાવી હતી.
વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ ભક્તોને દર્શન કરાવવામાં પણ પોલીસની ટીમોએ મદદ કરી હતી. પોલીસ કર્મચારીઓએ માત્ર બંદોબસ્ત જ નહીં, પરંતુ મંદિર અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં પણ સેવા આપી હતી.
ભાદરવી પૂનમના મેળામાં સેવા કેમ્પો અને સ્વયંસેવકોએ પણ ભક્તો માટે ભોજન, પાણી, આરામ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. ચાચર ચોકમાં પોલીસ પરિવારના સભ્યોએ માતાજીની ધજા ચડાવી ગરબે રમીને મેળાની પૂર્ણાહુતિની ઉજવણી કરી. આ સમગ્ર આયોજનમાં શ્રદ્ધા, સેવા અને વ્યવસ્થાનો સુંદર સમન્વય જોવા મળ્યો.