સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજી ભાદરવી પૂનમ મેળો આજથી શરૂ, હાઇવે પર વન-વે અને વાહનવ્યવહાર બંધ

અંબાજી ભાદરવી પૂનમ મેળો આજથી શરૂ, હાઇવે પર વન-વે અને વાહનવ્યવહાર બંધ

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજથી પ્રારંભ થયો છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ મેળામાં દેશભરમાંથી લાખો માઈભક્તો પગપાળા અને વાહનો દ્વારા અંબાજી પહોંચશે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે પોલીસ, આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓએ વ્યાપક વ્યવસ્થા કરી છે.

દાંતા-રતનપુર ખાતે શીત કેન્દ્રમાં બનાસ ડેરી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પની શરૂઆત વેળાએ શંકર ચૌધરીએ માતાજીની આરતી ઉતારી હતી અને રિબન કાપીને કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. મોટી સંખ્યામાં લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. માઈભક્તોને આરામ સાથે આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કેમ્પમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

પગપાળા અંબાજી જઈ રહેલા ભક્તો માટે ગાંધીનગરના બાલવા ખાતે પણ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. આશ્રય ફાઉન્ડેશન દ્વારા ઉનાવા-વાસણિયા મહાદેવથી બાલવા ચોકડી વચ્ચે આ કેમ્પનું આયોજન કરાયું છે. ફાઉન્ડેશનના સ્થાપક ભગીરથસિંહ ચૂડાસમા અને તેમની ટીમ દિવસ-રાત ભક્તોની સેવા કરી રહી છે.

ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભાભર પોલીસે અનોખી પહેલ કરી છે. રાત્રિના સમયે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તે માટે પોલીસ તેમના કપડાં અને સામાન પર રેડિયમ લગાવી રહી છે. પોલીસ માત્ર સુરક્ષા જ નહીં, પણ ફેસિલિટેટર તરીકે ભક્તોને મદદ કરશે.

ટ્રાફિક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હિંમતનગરના મહેતાપુરાથી ખેડબ્રહ્માના ખેરોજ પુલ સુધી વન-વે જાહેર કરાયો છે. પદયાત્રીઓની સુરક્ષા માટે સ્ટેટ હાઇવેની ડાબી બાજુનો વાહનવ્યવહાર બંધ રાખવામાં આવશે, જ્યારે હિંમતનગરથી જતા માર્ગની જમણી બાજુથી વાહનોને અવરજવર કરવાની મંજૂરી રહેશે. આ જાહેરનામું 19 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જોકે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની આકસ્મિક સેવાઓના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

બનાસકાંઠા પોલીસે પણ મેળા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પોલીસ કંટ્રોલરૂમનો પ્રારંભ કરીને માતાજીની પૂજા અને શ્રીફળ વધેરીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા.

મેળા દરમિયાન 6 હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ અને DRDના જવાનો ખડેપગે રહેશે. સમગ્ર મેળા વિસ્તારને આશરે 10 સેક્ટર અને ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. 2 SP, 25 DYSP, 17 PI અને 120 PSI સહિતનો પોલીસ કાફલો તૈનાત રહેશે.

મેળા વિસ્તારમાં 600થી વધુ CCTV કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત બોડી વોર્ન કેમેરા અને ડુંગરાળ વિસ્તારમાં હોર્સ પેટ્રોલિંગ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની મદદ માટે 63 પોલીસ સહાયતા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. કોઈપણ ઈમરજન્સીમાં 112 નંબર પર સંપર્ક કરી શકાશે. શંકાસ્પદ વસ્તુ કે ગતિવિધિ જોવા મળે તો તાત્કાલિક જાણ કરવા પોલીસે અપીલ કરી છે.