બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી મહામેળાનો આજે છેલ્લો અને સાતમો દિવસ છે. મા અંબાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, મેળાના છઠ્ઠા દિવસે 3,72,126 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા. આ સાથે છ દિવસમાં દર્શન કરનારા ભક્તોની કુલ સંખ્યા 38,23,469 થઈ છે. આજે દર્શન કરનારા ભક્તોની સંખ્યા 40 લાખને પાર થવાની ધારણા છે અને મેળો પૂરો થાય ત્યાં સુધીમાં 42 થી 45 લાખ ભક્તો દર્શન કરે તેવી અપેક્ષા છે.
ભંડાર કાઉન્ટર પરથી છઠ્ઠા દિવસે રૂ. 29,63,582ની આવક થઈ હતી. છ દિવસની કુલ આવક રૂ. 1,83,10,515 થઈ છે. આ ઉપરાંત છઠ્ઠા દિવસે 2,63,657 મોહનથાળ પ્રસાદના પેકેટ વિતરિત કરવામાં આવ્યા હતા. છ દિવસમાં કુલ 28.90 લાખ પેકેટ પ્રસાદનું વિતરણ થયું છે અને 3,927 ભક્ત સંઘોએ ધજા ચડાવી છે.
આજે ભાદરવી પૂનમના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોતાની ધજા લઈને મા અંબાના શિખર પર ધજારોહણ કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ પોતાની ધજા સાથે મંદિરે પહોંચશે. મેળા દરમિયાન કાર્યરત વિવિધ વિભાગો પણ ધજા અર્પણ કરશે.
મહામેળો શાંતિપૂર્વક પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના સફળ આયોજન બદલ તમામ વિભાગો મા અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવશે.