સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મેળો: લાખો ભક્તો માટે શેલ્ટર, ફ્રી ભોજન અને 2.67 લાખ ચો.મી. પાર્કિંગ

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મેળો: લાખો ભક્તો માટે શેલ્ટર, ફ્રી ભોજન અને 2.67 લાખ ચો.મી. પાર્કિંગ

બનાસકાંઠાના અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે. આ મેળો 20થી 26 સપ્ટેમ્બર સુધી ચાલશે. દેશ-વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સલામતી માટે રાજ્ય સરકાર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે અલગ-અલગ વિભાગો સાથે સંકલન કરીને વ્યવસ્થા કરી છે.

પગપાળા અને લાંબી યાત્રા કરીને આવતા ભક્તો માટે કુલ 12,300 ચોરસ મીટરમાં રેસ્ટ શેલ્ટર બનાવાયા છે. હડાદ રૂટ પરના 5 શેલ્ટરમાં 2,776 યાત્રાળુઓ માટે સિંગલ અને બંક બેડ તથા 600 ફ્લોર બેડિંગની વ્યવસ્થા છે. દાંતા રૂટ પરના 2 રેસ્ટ શેલ્ટરમાં 1,140 શ્રદ્ધાળુ આરામ કરી શકશે.

યાત્રાળુઓ માટે 2,190 ચોરસ મીટર વિસ્તારમાં ફ્રી ફૂડ શેલ્ટર ઊભા કરાયા છે. દાંતા રૂટ પર 2,500 અને ગબ્બર રૂટ પર 500 લોકોની ક્ષમતા ધરાવતા ફૂડ ડોમ કાર્યરત રહેશે. પીવાના શુદ્ધ પાણી માટે હડાદ રૂટ પર 13, દાંતા રૂટ પર 13 અને ગબ્બર રૂટ પર 4 મળીને કુલ 30 વોટર પેગોડા બનાવાયા છે.

સ્વચ્છતા જાળવવા માટે રેસ્ટ શેલ્ટર, હાઈવે અને પાર્કિંગ વિસ્તારોમાં મળીને કુલ 33 ટોયલેટ બ્લોક (બાથ, WC અને યુરિનલ સાથે) ઉપલબ્ધ કરાવાયા છે. વાહનોના સુચારુ નિયંત્રણ માટે હડાદ રૂટ પર 17 અને દાંતા રૂટ પર 21 મળીને કુલ 2,67,265 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

તાત્કાલિક તબીબી સહાય માટે 6 ફર્સ્ટ એઇડ કાઉન્ટર અને 10 મેડિકલ તથા લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર કાર્યરત કરાયા છે. સુરક્ષા માટે 125 ફાયર એક્સ્ટિંગ્વિશર, સીસીટીવી, અનેક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને માર્ગદર્શન માટે 4,000 ચોરસ મીટર વિસ્તારમાં સાઈનેજ હોર્ડિંગ્સ લગાવાયા છે. સ્થાનિક કારીગરો અને રોજીરોટીને પ્રોત્સાહન મળે તે માટે 216 ક્રાફ્ટ સ્ટોલ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે.