અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ગયો છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન અંદાજે 40 લાખ ભક્તો અંબાજી પહોંચે તેવી ધારણા છે. મંદિર પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી છે. પરંતુ અંબાજીની પરંપરા સાથે જોડાયેલી ઘણી બાબતોથી ભક્તો અજાણ છે. ભાદરવી પૂનમે લાખો ભક્તો કેમ પહોંચે છે? માતાજીને ભોગ ધરવાના નિયમો શું છે? આવા પ્રશ્નોના જવાબ જાણવા જેવા છે.
પ્રશ્ન 1: અંબાજીના પ્રાગટ્યની કથા શું છે?
ભાગવત પુરાણ મુજબ, હરિદ્વાર પાસે આવેલા કનખલના રાજા દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિષ્ક નામનો યજ્ઞ રાખ્યો. તેમાં બધા દેવોને આમંત્રણ આપ્યું, પણ પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રણ ન આપ્યું. આમંત્રણ ન હોવા છતાં સતી પાર્વતી પિતા દક્ષના ઘરે પહોંચી ગયાં. એ વખતે દક્ષે શિવજી વિશે અપમાનજનક વાતો કરી. પતિ શિવ વિશે આવા શબ્દો સાંભળી પાર્વતી દુ:ખી થયાં અને યજ્ઞ ચાલતો હતો તે કૂંડમાં જ કૂદી પડ્યાં.
ધ્યાનમાં બેઠેલા શિવજીએ આ વાત જાણી લીધી. તે ત્રિશૂલ લઈ ઊભા થયા. ખૂબ ગુસ્સામાં હતા. તે પહોંચ્યા દક્ષ પ્રજાપતિના મહેલમાં. શિવનું વિકરાળ રૂપ જોઈ બધા ડરી ગયા. મહાદેવે સતી પાર્વતીના દેહને પોતાના ખભા પર મૂકીને તાંડવ કર્યું ને આકાશમાં વિહાર કરવા નીકળી પડ્યા. હવે શિવજીનો ગુસ્સો શાંત કરવો સંભવ નહોતો.
દેવતાઓએ વિષ્ણુને પ્રાર્થના કરી કે તમે કાંઈક કરો. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા. એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટુકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાયાં. 51 જગ્યાએ ટુકડા પડ્યા એટલે 51 શક્તિપીઠ થઈ.
ભગવાન શિવે સતી પાર્વતીના દેહને ઊંચકીને તાંડવ કર્યું ને ગગન વિહારમાં નીકળી પડ્યા. સતી પાર્વતીનું હૃદય અરવલ્લીની પર્વતમાળાઓ વચ્ચે આવેલા આસાસુર નામના પર્વત પર પડ્યું. હૃદય માટે બીજો શબ્દ છે 'જી'. પાર્વતી તો અંબા સ્વરૂપ હતાં. એટલે અંબાનું હૃદય એટલે 'જી' જ્યાં પડ્યું તે સ્થળ બન્યું- અંબાજી. તંત્ર ચુડામણિમાં ઉલ્લેખ મુજબ, 51 શક્તિપીઠોમાં ઉલ્લેખાતાં અંબાજીમાં દેવી સતીના હૃદયનો અને અર્બુદાચલ (માઉન્ટ આબુ) પર્વત ઉપર અધર (હોઠ)ના ભાગ પડ્યા હતા.
ગુજરાતના બનાસકાંઠામાં આવેલું અંબાજી હજારો વર્ષ જૂનું અધ્યાત્મિક અને આદિકાલીન સ્થળ છે. આ એ જ જગ્યા છે જ્યાં માતાજીએ હજાર હાથ સાથે વાઘ પર પ્રગટ થઈ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. દેવી ‘મહિષાસુર મર્દિની’ તરીકે ઓળખાયાં.
બીજી કથા એવી છે કે સીતાજીની શોધ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતનાં જંગલોની વચ્ચે આવેલા શૃંગી ઋષિના આશ્રમે પહોંચ્યા. શૃંગી ઋષિએ ગબ્બરનાં દેવી અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી અને અંબાએ પ્રસન્ન થઈને ‘અજય’ નામનું બાણ આપ્યું. રામે આ જ બાણથી રાવણ માર્યો. એટલે જ જય આદ્યાશક્તિ આરતીમાં આવે છે... દસમી દસ અવતાર, જય વિજયા દસમી, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા… અને હા, રામ પછીના વિષ્ણુ અવતાર કૃષ્ણના બાળમોવાળા (પહેલીવાર વાળ ઉતારવાની ક્રિયા) પણ અંબાના સાનિધ્યમાં ગબ્બર પર્વત પર કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેનો ઉલ્લેખ ભાગવત પુરાણમાં છે. પોષી પૂનમ એ મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે. પણ ભાદરવા પૂનમનું મહત્વ અનેરું છે અને લાખો ભક્તો પૂનમના અઠવાડિયાં પહેલાંથી જ અંબાજી પહોંચે છે.
પ્રશ્ન 2: ભાદરવી પૂનમે ભક્તો અંબાજી કેમ પહોંચે છે?
ભાદરવી પૂનમ પૂરી થાય પછી તરત શ્રાદ્ધપક્ષ શરૂ થાય. શ્રાદ્ધપક્ષમાં માતાજીને પધારવાનું આમંત્રણ ન આપી શકાય એટલે શ્રાદ્ધ પહેલાં ભાદરવી પૂનમે મા અંબાને ભક્તો આમંત્રણ આપે છે. આમંત્રણ એવું આપે છે કે હે મા અંબા… દુર્ગા… નોરતાંમાં મારા ઘરે, મારી શેરીમાં, મારા શહેરમાં પધારજો... વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પદયાત્રા કરીને પહોંચે છે. ભાદરવા મહિનામાં પૂનમનો દિવસ મહત્વનો કહેવાય. તેને કોજાગરી પૂનમ કહે છે. માતાજી આ પૂનમે એ જોવા નીકળે છે કે કોણ-કોણ જાગે છે. એટલે જ આ પૂનમને કોજાગરી કહે છે.
ભાદરવી પૂનમ પહેલાં જ લાખો માઈભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. દરેક રોગની જનની શરદ ઋતુ છે. ઘરડાં એવું કહેતા કે શરદ ઋતુની દિવાળી જે કાઢે એ આખું વર્ષ જીવે. એટલે રોગની ઋતુ શરદમાં શક્તિ સ્વરૂપા માતાજીની ઉપાસના થાય છે. નોરતાંમાં માતાજીની આરાધના કરવાથી નિરોગી રહેવાય. નોરતાંમાં ઘરે ઘરે ઘટસ્થાપન થાય, પણ અંબાજી મંદિરમાં ઘટસ્થાપન બે વખત થાય છે. ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રિ. મંદિરમાં માતાજીની સન્મુખ વાઘ પાસે ઘટસ્થાપન થાય છે અને જે જવેરા ઉગે તે મંદિરમાં થતા હવનમાં પધરાવાય છે.
વાત ભાદરવી મેળાની કરીએ તો લાખો માઈભક્તો અંબાને આમંત્રણ આપવા પદયાત્રા કરીને પહોંચે છે. આ દરમિયાન મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના થાય છે. શ્રીયંત્રની ગુપ્ત પૂજા, રાજભોગ માટે 8 કિલોનો સોનાનો થાળ, સાત સૂંઢાળા હાથીનું વાહન વગેરે પરંપરાઓ આ મેળાની વિશેષતા છે.