સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો: 40 લાખથી વધુ ભક્તોની અપેક્ષા, સુરક્ષા અને સેવાની વ્યાપક તૈયારીઓ

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો: 40 લાખથી વધુ ભક્તોની અપેક્ષા, સુરક્ષા અને સેવાની વ્યાપક તૈયારીઓ

અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને લઈને વ્યાપક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ મહામેળો 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી યોજાશે. દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો મા અંબાના દર્શન માટે આવશે તેવી ધારણા છે. અંદાજ મુજબ, આ વખતે 40 લાખથી વધુ ભક્તો માતાના દર્શન કરશે.

દર વર્ષે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં મહામેળો યોજાય છે, જેમાં લાખો ભક્તો દૂર-દૂરથી પગપાળા આવીને માતાના દર્શન કરે છે. આ પદયાત્રિકોને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે. અનેક સેવાભાવી દાતાઓ દ્વારા સેવા કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં યાત્રિકો રાતવાસો અને આરામ કરી શકે છે.

પદયાત્રિકોની સુવિધા માટે પોલીસ, આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ સહિતના તમામ વિભાગોને સજ્જ કરવામાં આવ્યા છે. યાત્રિકો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા માટે અનેક માર્ગો પર નિઃશુલ્ક ભોજન ભંડારા શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત, શૌચાલય અને આરોગ્ય સંબંધિત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 5 સુરક્ષાકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બોડીવોર્ન કેમેરા, BDDS, ડોગ સ્ક્વોડ અને QRT જેવી ટીમો મેળામાં ફરજ બજાવશે. આ ઉપરાંત, 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે નિઃશુલ્ક ભોજન, નિવાસ, પાર્કિંગ અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માહિતી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા દ્વારા આપવામાં આવી હતી.

મેળા દરમિયાન અંબાજી મંદિર સામેનો હાઈવે સિંગલ પટ્ટી કરવામાં આવશે. માર્ગની ડાબી બાજુએ દર્શનાર્થીઓ ચાલશે અને જમણી બાજુએ સરકારી તથા અન્ય જરૂરિયાતમંદ વાહનો અંબાજીથી દાંતા અને દાંતાથી અંબાજી સુધી આવ-જા કરશે.