ભાદરવી પૂનમને અતિ પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ પવિત્ર અવસરે અંબાજીના ચાચર ચોકમાં ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનું અનોખું રૂપ જોવા મળી રહ્યું છે. દૂર-દૂરથી માઈભક્તો પગપાળા યાત્રા કરીને મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે.
ચાચર ચોકમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે કેટલાક ભક્તોની અડગ શ્રદ્ધા અને ભક્તિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. એક મહિલા ભક્ત પગમાં ફોલ્લા પડ્યા હોવા છતાં પરિવારજનોની મદદથી યાત્રા પૂર્ણ કરીને ચાચર ચોક સુધી પહોંચ્યા છે. તેમના પગમાં બાંધેલા પાટા તેમની અડગ ભક્તિ અને સંકલ્પની સાક્ષી પૂરે છે.
ભાદરવી પૂનમ પૂર્વે અંબાજીમાં મોડી રાત સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. ચાચર ચોકમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને સમગ્ર વિસ્તાર ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી રહ્યો છે. મા અંબાના સુવર્ણ શિખરના દૂરથી દર્શન કરતા જ ભક્તોમાં નવી ઊર્જાનો સંચાર થતો જોવા મળે છે. આ પવિત્ર ભૂમિ પર શ્રદ્ધા અને શક્તિનો અદભુત સંગમ અનુભવાઈ રહ્યો છે.
ભાદરવી પૂનમના મેળાને લઈને પોલીસ અને પ્રશાસન દ્વારા પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચતા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. ભક્તિ, આસ્થા અને શક્તિના આ અનોખા સંગમને કારણે ભાદરવી પૂનમનો અવસર અંબાજીમાં વધુ વિશેષ બની રહ્યો છે. ચાચર ચોકમાંથી મા અંબાની ભક્તિના આ અદભુત દૃશ્યો ખરેખર યાદગાર અનુભવ સમાન છે. બોલ માડી અંબે... જય જય અંબે!