સત્ય. સાહસ. સંકલ્પ.

અંબાજી ભાદરવી પૂનમ મેળો: 35 લાખ યાત્રિકોની સલામતી માટે 108ની 16 એમ્બ્યુલન્સ તૈનાત

અંબાજી ભાદરવી પૂનમ મેળો: 35 લાખ યાત્રિકોની સલામતી માટે 108ની 16 એમ્બ્યુલન્સ તૈનાત

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આ વખતે 35 લાખથી વધુ ભક્તો આવવાની ધારણા છે. તેને ધ્યાનમાં રાખીને 108 મેડિકલ ઈમરજન્સી સેવા સંપૂર્ણ તૈયારી કરી છે.

જિલ્લા વહીવટીતંત્ર સાથે મળીને 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન 16 એમ્બ્યુલન્સ અલગ-અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવી છે. અંબાજીની આસપાસ અરવલ્લીની ગિરિમાળામાંથી પગપાળા આવતા ભક્તો માટે આ વ્યવસ્થા કરાઈ છે. લાંબી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ આરોગ્યલક્ષી તકલીફ પડે તો 108 પર એક કોલ કરતાં જ તાત્કાલિક સારવાર મળી રહેશે.

હૃદયરોગ, અકસ્માત કે અન્ય કોઈ પણ ઈમરજન્સીની સ્થિતિમાં 108ની ટીમો ઝડપથી મદદ પહોંચાડશે. ગત વર્ષે આ સેવાનો લાભ લગભગ 1,000 યાત્રિકોને મળ્યો હતો. આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધવાની સંભાવના છે, તેથી એમ્બ્યુલન્સની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

મેળા દરમિયાન કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા સર્જાય તો 108 સેવા દ્વારા ઝડપી સારવાર પૂરી પાડવામાં આવશે. આ માટે તમામ ટીમોને સજ્જ રાખવામાં આવી છે.