રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ખાદ્યપદાર્થો ખરીદવા હવે લોકોએ બહાર જવાની જરૂર રહેતી નથી. ઝેપ્ટો (Zepto), બ્લિંકિટ (Blinkit) જેવા ઓનલાઈન ઇન્સ્ટન્ટ કોમર્સ પ્લેટફોર્મ પર લોકો ઘરેથી ઓર્ડર આપે છે અને 10થી 12 મિનિટમાં સામાન ઘરે પહોંચી જાય છે. હવે આ સ્પર્ધામાં એમેઝોને પણ જોર લગાવ્યું છે. કંપનીએ તેની ઇન્સ્ટન્ટ ડિલિવરી સેવા 'એમેઝોન નાઉ' (Amazon Now) 120થી વધુ શહેરોમાં વિસ્તારી છે.
એમેઝોન નાઉ કેટલા શહેરોમાં પહોંચ્યું છે? કંપનીના જણાવ્યા મુજબ, આ સેવા હાલ 120થી વધુ શહેરોમાં ઉપલબ્ધ છે. આ શહેરોના ગ્રાહકો હવે ટૂંકા સમયમાં એમેઝોન નાઉ પરથી માલની હોમ ડિલિવરી મેળવી શકે છે.
કંપની હવે તેના ફુલફિલમેન્ટ નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેનો અર્થ એ છે કે હજારો વસ્તુઓ મિનિટો કે કલાકોમાં ડિલિવર થશે. પ્રાઇમ સભ્યોને લાખો ઉત્પાદનો પર મફત ડિલિવરી મળશે. 10 લાખથી વધુ વસ્તુઓ માટે એક જ દિવસે ડિલિવરી ઉપલબ્ધ થશે, જ્યારે 40 લાખથી વધુ વસ્તુઓ બીજા દિવસે ડિલિવર થઈ શકશે.
હવે એમેઝોન નાઉ અને અન્ય ઇન્સ્ટન્ટ કોમર્સ પ્લેટફોર્મ વચ્ચે સ્પર્ધા તીવ્ર બનશે. ઝેપ્ટો, બ્લિંકિટ, ફ્લિપકાર્ટ મિનિટ્સ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ જેવા પ્લેટફોર્મ પણ મિનિટોમાં સામાન પહોંચાડી રહ્યા છે. બધી કંપનીઓ હવે ગ્રાહકોને શક્ય તેટલી ઝડપથી માલ પહોંચાડવા પર ભાર મૂકી રહી છે.
એમેઝોન નાઉ 120 શહેરો પૂરતું મર્યાદિત રહેવાનું નથી. કંપની તેને 200 નહીં, પરંતુ 300 શહેરો સુધી પહોંચાડવાની તૈયારીમાં છે. સાથે જ દરરોજ નવા ગ્રાહકો આ ક્વિક કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાઈ રહ્યા છે.