સત્ય. સાહસ. સંકલ્પ.

11 વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવનાર અમન સેહરાવતે એશિયન ગેમ્સ 2026માં જીત્યો ગોલ્ડ

11 વર્ષની ઉંમરે માતા-પિતા ગુમાવનાર અમન સેહરાવતે એશિયન ગેમ્સ 2026માં જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ 2026માં ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નાગોયામાં રમાયેલી ફાઇનલમાં તેમણે વર્તમાન વિશ્વ ચેમ્પિયન હાન ચોંગ-સોંગને 11-7થી હરાવ્યો.

આ મેચ શરૂઆતથી જ રોમાંચક રહી. અમને શરૂઆતમાં જ લીડ મેળવી લીધી હતી અને એક સમયે 6-1ની મજબૂત સ્થિતિમાં હતા. પરંતુ ઉત્તર કોરિયાના વિશ્વ ચેમ્પિયને વાપસી કરતાં મેચમાં ઉત્તેજના વધી ગઈ હતી. મેચ પૂરી થવામાં એક મિનિટથી પણ ઓછો સમય બાકી હતો ત્યારે અમને શાનદાર વાપસી કરી. તેમણે ચોંગ-સોંગને મેટ પર નિયંત્રિત રાખીને સતત પોઈન્ટ મેળવ્યા અને 11-7થી ફાઇનલ જીતી લીધી.

આ સાથે અમને એશિયન ગેમ્સમાં સતત બીજી વખત મેડલ જીત્યો છે. અગાઉ હાંગઝોઉ એશિયન ગેમ્સમાં તેમણે આ જ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન એશિયન ગેમ્સમાં ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. સુજીત કલ્કલ પણ પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે.

અમન સેહરાવતનો જન્મ 16 જુલાઈ, 2003ના રોજ હરિયાણાના ઝજ્જર જિલ્લાના બિરોહાડ ગામમાં થયો હતો. 2012ના લંડન ઓલિમ્પિકમાં સુશીલ કુમારના પ્રદર્શનથી પ્રેરાઈને તેઓ માત્ર 10 વર્ષની ઉંમરે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ પહોંચ્યા હતા. જોકે, 11 વર્ષની ઉંમરે તેમણે માતા-પિતા ગુમાવ્યા હતા. ત્યારબાદ તેમના કાકા સુધીર અને પરિવારે તેમની તથા તેમની નાની બહેન પૂજાની જવાબદારી સંભાળી. અમને કોચ લલિત કુમારના માર્ગદર્શન હેઠળ કુસ્તી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

માતા-પિતાને ગુમાવ્યા બાદના મુશ્કેલ સમયમાંથી બહાર આવીને અમને રમતને પોતાની તાકાત બનાવી. પેરિસ 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતીને તેમણે પોતાની કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિ ઉમેરી છે. (ફોટો: PTI/X)