સત્ય. સાહસ. સંકલ્પ.

અલ્ફાબેટના શેરમાં 5 મિનિટમાં 13% કડાકો, 48 લાખ કરોડનું નુકસાન

અલ્ફાબેટના શેરમાં 5 મિનિટમાં 13% કડાકો, 48 લાખ કરોડનું નુકસાન

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે થઈ રહેલા ભારે રોકાણ અંગે રોકાણકારોની ચિંતા વધી છે. ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના શેરમાં ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ 13.2 ટકાનો કડાકો બોલાયો હતો. માત્ર 5 મિનિટમાં કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 48 લાખ કરોડ રૂપિયા (500 અબજ ડોલર) ધોવાઈ ગયું હતું.

અલ્ફાબેટે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કુલ 111.2 અબજ ડોલરની આવક નોંધાવી હતી, જે વિશ્લેષકોના અંદાજ કરતાં ઓછી રહી હતી. કંપનીની આવકનો મુખ્ય સ્રોત જાહેરાત વ્યવસાય છે, અને તેમાં છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચી વૃદ્ધિ જોવા મળી હતી. આ સાથે AI માટે કંપનીનો મૂડી ખર્ચ વધીને આશરે 205 અબજ ડોલર થયો છે, જે અગાઉના વર્ષ કરતાં લગભગ બમણો છે.

રોકાણકારોને ચિંતા છે કે AIમાં આટલા મોટા પાયે રોકાણ સામે કંપનીને પર્યાપ્ત નફો મળશે કે નહીં. આગામી સમયમાં ડેટા સેન્ટર, કમ્પ્યુટિંગ અને ઊર્જા માળખા પાછળ કંપની પર આશરે 1 ટ્રિલિયન ડોલર (96 લાખ કરોડ રૂપિયા)ના ખર્ચનો ભારણ છે. અગાઉ એનવિડિયા સહિતની ટેક કંપનીઓના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ટેક કંપનીઓની વાસ્તવિક કમાણી અને આવક અંગે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે.