સત્ય. સાહસ. સંકલ્પ.

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું હતું': અલ્પેશ ઠાકોરનો જાહેર સ્વીકાર

'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું હતું': અલ્પેશ ઠાકોરનો જાહેર સ્વીકાર

બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સમાજના સ્નેહમિલન સમારોહમાં રાજકીય નિવેદનો સાથે કેટલીક રસપ્રદ ટિપ્પણીઓ પણ સાંભળવા મળી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા સમાજના અનેક અગ્રણી નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવા અંગેનું નિવેદન સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જાહેર મંચ પરથી સ્વીકાર કર્યો કે સરકારમાં મંત્રી બનવાની તેમની ઈચ્છા પૂરી નથી થઈ. કપાળ પર હાથ ઘસતાં તેમણે કહ્યું કે તેમણે મંત્રી પદ માટે ઘણી મહેનત અને દોડધામ કરી હતી, પરંતુ રાજનીતિમાં માત્ર મહેનત જ નહીં, નસીબ પણ મહત્વનું હોય છે. તેમણે કહ્યું, "અમે ખૂબ દોડ્યા, પરંતુ નસીબ સ્વરૂપસિંહની સાથે હતું. અમે દોડતા રહ્યા અને સ્વરૂપસિંહ મંત્રી બની ગયા." રાજનીતિમાં નસીબનું સ્થાન મહત્વનું હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.

બીજી તરફ, ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોરે પોતાના વક્તવ્યને લઈને સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે તેમને બોલતા પણ આવડે છે, પરંતુ તેઓ પ્રોટોકોલ અને હોદ્દાની મર્યાદા જાણે છે. જો બોલવું હોય તો ઘણું બોલી શકાય, પરંતુ હોદ્દાની મર્યાદા નડે છે. તેમણે ઉમેર્યું કે વધારે બોલીશ તો લોકો ટીકા કરશે કે મેયર પોતાનું ભાન ભૂલી ગયા છે. અલ્પેશ ઠાકોરે આ સંદર્ભમાં કહ્યું કે રૂપસિંહ ઠાકોરનું આગામી બે મહિનામાં ધમાકેદાર ભાષણ સાંભળવા મળશે.

કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ગાંધીનગરના મેયર રૂપસિંહજી ઠાકોર અને ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય કેશાજી ચૌહાણે વર્ષ 2027માં રાજકીય પક્ષો ગમે તેવા પ્રયાસો કરે, પરંતુ સમાજની એકતા જાળવી રાખવા અપીલ કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજના લોકો રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોવા છતાં એક મંચ પર બેસીને સમાજના વિકાસ માટે સાથે મળીને કામ કરે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે વ્યસનમુક્તિ અને સામાજિક સુધારાની દિશામાં થયેલા પ્રયાસોની પણ વાત કરી હતી.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે સમાજના બંધારણને કારણે લગ્નપ્રસંગોમાં સાદગી આવી છે અને વાલીઓ પરનો આર્થિક બોજ ઘટ્યો છે. તેમણે કહ્યું કે બંધારણના અમલથી સમાજના કરોડો રૂપિયા બચ્યા છે. યુવાનોને સંબોધતાં તેમણે વ્યસનમુક્તિનો સંદેશ યાદ રાખવા અને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. સાથે જ જમીનનું વેચાણ કરતા પહેલાં ભવિષ્યની પેઢીનો વિચાર કરવાની સલાહ પણ આપી હતી.