અલાહાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના પથેડ ગામમાં આવેલી આયેશા મસ્જિદને લાઉડસ્પીકર પર અઝાન આપવાની મંજૂરી આપી છે. મસ્જિદ સંચાલકોએ ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરવાની ખાતરી આપતા કોર્ટે આ નિર્ણય લીધો છે.
આ મામલો સહારનપુર પોલીસ અને જિલ્લા પ્રશાસન સાથે જોડાયેલો છે. મસ્જિદ સંચાલકોએ હાઈકોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે અઝાન માટે પોલીસ અને જિલ્લા પ્રશાસન લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની ના પાડે છે. જ્યારે કોર્ટના આદેશમાં નિયમોનું પાલન કરીને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.
રાજ્ય સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની કોઈએ ના નથી પાડી, ફક્ત ધ્વનિ પ્રદૂષણના કાયદાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં એક નિશ્ચિત મર્યાદા સુધીના અવાજની જ મંજૂરી આપવામાં આવી છે.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટના જજ અજીત કુમાર અને ગરીમા પ્રસાદે તેમના આદેશમાં જણાવ્યું હતું કે અરજદારો ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરશે તેવું સોગંદનામું રજૂ કરશે. જો આ નિયમોનું પાલન ન થાય તો પોલીસ પ્રશાસન નિયમો મુજબ કાર્યવાહી કરવા સ્વતંત્ર છે. હાલ હાઈકોર્ટે લાઉડસ્પીકરની છૂટ આપી દીધી છે.
કોર્ટે અઝાનને નમાઝનો અભિન્ન અંગ ગણાવીને પોલીસને નિયમોના પાલન સાથે અઝાનમાં ખલેલ ન પહોંચાડવા જણાવ્યું છે. જો નિયમોનો ભંગ થશે તો કાર્યવાહીની છૂટ પણ આપવામાં આવી છે.