અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે ઝઘડા વખતે પત્નીને 'મરી જા' અથવા 'જઈને મરી જા' કહેવું આપોઆપ આત્મહત્યા માટેની ઉશ્કેરણી ગણી શકાય નહીં. આ શબ્દો કયા સંજોગોમાં અને કેવા ઇરાદાથી બોલાયા હતા, તે તપાસવું જરૂરી છે. આ આધારે અદાલતે પત્નીની આત્મહત્યાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા પતિને નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસ ઉત્તર પ્રદેશના બારાબંકીનો છે. મૃતક મહિલાના ભાઈએ 15 સપ્ટેમ્બર 2023ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમનું કહેવું હતું કે તેમની બહેનના લગ્ન આરોપી સાથે લગભગ 20 વર્ષ પહેલાં થયા હતા અને દંપતીને કોઈ સંતાન નહોતું. આરોપ હતો કે પતિ સંતાન ન હોવાની બાબતે પત્નીને પરેશાન કરતો હતો અને તેને ફાંસી લગાવી લેવા કે નદીમાં કૂદીને જીવ આપી દેવાનું કહેતો હતો.
આરોપ મુજબ, 9 અને 10 સપ્ટેમ્બર 2023ની વચ્ચેની રાત્રે મહિલા ઘરમાં ફાંસીએ લટકતી મળી આવી હતી. બારાબંકીની સેશન્સ કોર્ટે 9 માર્ચ 2025ના રોજ પતિને દોષિત ઠેરવી સાત વર્ષની સખત કેદ અને 20 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. ત્યાર બાદ પતિએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
અપીલમાં પતિએ દલીલ કરી હતી કે તેમની પત્ની લાંબા સમયથી ટીબીની બીમારીથી પીડાતી હતી. તે તેની સારવાર કરાવી રહ્યો હતો, પરંતુ બીમારીમાં સુધારો ન થતાં તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી. તેમણે એવું પણ જણાવ્યું કે ફરિયાદ પક્ષના સાક્ષીઓ મૃતકના નજીકના સગાં હતા અને તેમના નિવેદનોમાં અનેક વિરોધાભાસ છે. આત્મહત્યા માટે ઉશ્કેરણીનો કોઈ નક્કર પુરાવો પણ રજૂ થયો નથી.
બીજી તરફ સરકારી વકીલે અપીલનો વિરોધ કરતાં જણાવ્યું કે સાક્ષીઓએ સતત એ વાત નોંધી છે કે આરોપી પત્નીને સંતાન ન હોવાને કારણે અને તેની શારીરિક સ્થિતિ બાબતે ત્રાસ આપતો હતો.
આ કેસની સુનાવણી કરતા જસ્ટિસ ઝફીર અહેમદે જણાવ્યું કે કોઈ વ્યક્તિ ગુસ્સામાં આવીને 'મરી જા' કે 'જઈને મરી જા' કહે તો તેને દરેક પરિસ્થિતિમાં આત્મહત્યા માટેની ઉશ્કેરણી ગણી શકાય નહીં. અદાલતે એ ચકાસવું પડે કે આ શબ્દો કયા સંજોગોમાં કહેવાયા હતા, કહેનારનું વર્તન કેવું હતું અને તેનો ઉદ્દેશ્ય મહિલાને આત્મહત્યા માટે પ્રેરવાનો હતો કે નહીં.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આવેશમાં બોલાયેલી દરેક વાત, ગાળાગાળી કે ભાવનાત્મક ઉશ્કેરાટમાં આપવામાં આવેલા નિવેદનોને ફોજદારી કાયદા હેઠળ દુષ્પ્રેરણ માની શકાય નહીં. તેના માટે આરોપીની ભૂમિકા અને તેના ચોક્કસ ઇરાદા સાથે જોડાયેલા પુરાવા જરૂરી છે.
હાઈકોર્ટે નોંધ્યું કે લગ્નના આશરે 20 વર્ષ દરમિયાન ગંભીર ત્રાસ આપવામાં આવ્યો હોવાના દાવાના સમર્થનમાં કોઈ અગાઉની ફરિયાદ, પત્ર, પોલીસ રિપોર્ટ કે તબીબી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નથી. અદાલતે એ પણ નોંધ્યું કે મૃતકના ભાઈએ પોલીસને એ કથિત ફોન કોલ્સ વિશે માહિતી આપી નહોતી, જેમાં મહિલાએ મારપીટ અને પતિ દ્વારા મરી જવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી હતી. વધુમાં, તપાસ અધિકારીના જણાવ્યા મુજબ પત્નીના મોતના સમાચાર સૌથી પહેલાં પતિએ જ પોલીસને આપ્યા હતા.
ટ્રાયલ કોર્ટના ચુકાદા અંગે પ્રશ્ન ઉઠાવતા અદાલતે કહ્યું કે માત્ર આત્મહત્યા થઈ હોવાના અને ત્રાસના આરોપોના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં. આરોપીએ આત્મહત્યા માટે ઉશ્કેરણી કરી હતી, ષડયંત્ર રચ્યું હતું કે જાણીજોઈને તેમાં મદદ કરી હતી, તે સાબિત કરવું અનિવાર્ય છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે આત્મહત્યા થવી અને આત્મહત્યા માટે ઉશ્કેરવું એ બે તદ્દન અલગ વિષય છે. કોઈ વ્યક્તિને ગુનેગાર ઠેરવવા માટે તેણે ઘટનામાં કાયદેસર રીતે જવાબદાર ભૂમિકા ભજવી હતી તે પુરવાર થવું જરૂરી છે.