અલાસ્કા એર ગ્રુપે નફો ઘટવા અને ખર્ચ વધવાને કારણે નોન-કોન્ટ્રાક્ટ સ્તરના લગભગ 200 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બેન મિનિકુચીએ જણાવ્યું કે આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો એરલાઇનને આ વર્ષે 700 મિલિયન ડૉલર સુધીનું નુકસાન થઈ શકે છે.
મિનિકુચીએ કર્મચારીઓને મોકલેલા મેમોમાં જણાવ્યું કે જો આ નાણાકીય સંકટ ચાલુ રહેશે, તો કોવિડ મહામારીના સમયગાળાને બાદ કરતાં 2003 પછી આ કંપનીનું આ પ્રથમ એડજસ્ટેડ પ્રી-ટેક્સ નુકસાન હશે. એવિએશન ક્ષેત્રમાં ઇંધણના વધતા ભાવો અને વિશ્વભરના તણાવ વચ્ચેના પડકારો કંપનીના નાણાકીય સંતુલન પર સીધી અસર કરી રહ્યા છે.
કંપનીના પ્રવક્તા મુજબ, આ છટણીની અસર કુલ 32,500 કર્મચારીઓમાંથી 1%થી પણ ઓછા કર્મચારીઓ પર થશે. દૂર કરવામાં આવનારા પદોમાં વોશિંગ્ટન રાજ્યના 125 અને હવાઈના 48 પદનો સમાવેશ થાય છે. એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે ફ્રન્ટલાઇન અથવા નોન-મેનેજમેન્ટ કર્મચારીની નોકરી નહીં જાય.
પ્રભાવિત કર્મચારીઓ માટે 13 નવેમ્બર છેલ્લો કાર્યકારી દિવસ રહેશે. જોકે, કંપની તેમને 31 ડિસેમ્બર સુધી નિયમિત પગાર આપતી રહેશે. આ ઉપરાંત, પ્રભાવિત સ્ટાફને સર્વરન્સ પે તથા અન્ય નાણાકીય અને કારકિર્દી સંબંધિત સહાય પણ આપવામાં આવશે.
અલાસ્કા એર ગ્રુપ હાલ પ્રીમિયમ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ વિભાગમાં વિસ્તરણ કરી રહ્યું છે. જોકે, આવકમાં સારો વધારો થવા છતાં ક્રૂડ અને એવિએશન ફ્યુઅલના ખર્ચમાં ભારે ઉછાળાને કારણે કંપનીની કમાણી પર દબાણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. એરલાઇન ઉદ્યોગમાં ટિકિટના ભાવ વધાર્યા બાદ અને ફ્લાઇટ શેડ્યૂલ ઘટાડ્યા બાદ હવે નોકરીઓ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.
સીઈઓ મિનિકુચીએ જણાવ્યું કે અમારે ફરીથી એ જ નાણાકીય શિસ્ત તરફ પાછા ફરવું પડશે, જે લાંબા સમયથી અમારી તાકાત રહી છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના ઓવરહેડ ખર્ચ આવકની સરખામણીમાં ઘણી ઝડપથી વધ્યા છે.
સર્વરન્સ પે શું હોય છે? જ્યારે કંપની પોતાની તરફથી કર્મચારીને નોકરીમાંથી દૂર કરે છે, ત્યારે તેના સેવા સમયગાળા, કરાર અને કંપનીની નીતિના આધારે એકમુશ્ત અથવા નિશ્ચિત સમયગાળા સુધી આપવામાં આવતી આર્થિક સહાયને સર્વરન્સ પે કહેવાય છે.
એડજસ્ટેડ પ્રી-ટેક્સ લોસ શું હોય છે? ટેક્સ અને એકમુશ્ત ખર્ચની ગણતરી પહેલાંનું એવું નુકસાન, જે કંપનીના મુખ્ય ઓપરેશનલ પ્રદર્શનને દર્શાવે છે.