સત્ય. સાહસ. સંકલ્પ.

અલંગમાં બાંગ્લાદેશે ના પાડેલું જહાજ ઝેરી પર્લાઇટ પાવડર સાથે આવ્યું, GPCB પર બેદરકારીનો આક્ષેપ

અલંગમાં બાંગ્લાદેશે ના પાડેલું જહાજ ઝેરી પર્લાઇટ પાવડર સાથે આવ્યું, GPCB પર બેદરકારીનો આક્ષેપ

ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને લગતી ગંભીર બેદરકારી સામે આવી હોવાનો આક્ષેપ થયો છે. બાંગ્લાદેશમાં પ્રવેશબંધી પામેલું ‘કોરિયન ફ્લેગ LNG યોગ’ નામનું જહાજ અલંગ ખાતે લાવવામાં આવ્યું હતું. આ જહાજમાંથી 567 મેટ્રિક ટન ઝેરી પર્લાઇટ પાવડર દરિયાકાંઠે ફેલાયેલો મળી આવ્યો હોવાનો દાવો સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ કર્યો છે.

બાવળાના રહેવાસી પ્રફુલ મહેતાએ આ માહિતી RTI (માહિતી અધિકાર અધિનિયમ) હેઠળ મેળવી છે. તેમના જણાવ્યા અનુસાર, સોશિયાના પ્લોટ નંબર 88 (મેસર્સ આતમ મનોહર શિપ બ્રેકર્સ) ખાતે આ પાવડર 3 કિલોમીટર સુધી દરિયાકાંઠે અને પાણીમાં ફેલાયેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગ્લાસ વૂલ અને ઓઈલી વેસ્ટ પણ મળી આવ્યો હતો. પર્લાઇટ પાવડર માણસના શ્વાસમાં જવાથી આંખો, ગળા અને ફેફસાંની ગંભીર બીમારીઓ થઈ શકે છે.

પ્રફુલ મહેતાએ જણાવ્યું કે, જ્યારે આ જહાજ અલંગ આવ્યું ત્યારે બાંગ્લાદેશની શિપિંગ યાર્ડે એક પત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે જહાજમાં પાવડર હોવાની જાણ થતાં તેમણે જહાજને પોતાના પરિસરમાં આવવા દેવાની ના પાડી હતી. આ અંગે તેમણે સમયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓને મૌખિક રજૂઆત કરી હતી કે તપાસ રિપોર્ટ ચોકસાઈપૂર્વક બનાવવો જોઈએ. ત્યારબાદ તેમણે RTI અરજી કરીને વિગતો માંગી હતી. પ્રથમ જવાબમાં ગોળ ગોળ માહિતી મળતાં તેમણે ફરીથી અપીલ કરી હતી. અપીલની તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જહાજમાંથી મળેલા પદાર્થોમાં પર્લાઇટ નામનો 567 મેટ્રિક ટન પાવડર હતો.

GPCBએ SOPના ભંગ બદલ જળ પ્રદૂષણ નિવારણ અધિનિયમની કલમ 33(A) હેઠળ નોટિસ તો આપી છે, પરંતુ અંદાજે 28 ટ્રક જેટલો આ ઝેરી કચરો ક્યાં મોકલાયો તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તંત્રએ સંપૂર્ણ તપાસ વિના જ ભંગાર માટે મંજૂરી આપતાં પર્યાવરણ અને માનવ આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.