સત્ય. સાહસ. સંકલ્પ.

અક્ષય ખન્નાએ 'દૃશ્યમ 3' શૂટિંગ પહેલાં છોડી, ડિરેક્ટરે કહ્યું – આ કેવી રીત?

અક્ષય ખન્નાએ 'દૃશ્યમ 3' શૂટિંગ પહેલાં છોડી, ડિરેક્ટરે કહ્યું – આ કેવી રીત?

મુંબઈ: ફિલ્મ 'દૃશ્યમ 3'ના ડિરેક્ટર અભિષેક પાઠકે ખુલાસો કર્યો છે કે અભિનેતા અક્ષય ખન્નાએ શૂટિંગ શરૂ થવાના માત્ર સાત દિવસ પહેલાં પ્રોજેક્ટ છોડી દીધો હતો. હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પાઠકે જણાવ્યું કે અજય દેવગન સાથેના અક્ષયના દૃશ્યોનું શૂટિંગ શરૂ થવાનું હતું, તે પહેલાં જ તેમણે ફિલ્મમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો.

અક્ષય ખન્ના 'દૃશ્યમ 2'માં ઇન્સ્પેક્ટર જનરલ તરુણ અહલાવતના પાત્રમાં જોવા મળ્યો હતો, જે દર્શકોને ખૂબ ગમ્યું હતું. ડિસેમ્બર 2025ના અહેવાલો અનુસાર, સર્જનાત્મક બાબતો અને ફીને લઈને મેકર્સ સાથે સહમતિ ન થઈ શકતાં તેમણે પ્રોજેક્ટ છોડવાનું નક્કી કર્યું હતું. ફિલ્મ 'ધુરંધર'ની સફળતા બાદ અક્ષયે ફી વધારી હોવાનું પણ સૂત્રો કહે છે.

ડિરેક્ટર અભિષેક પાઠકે જણાવ્યું, 'ફિલ્મ છોડવાની આ કેવી રીત છે? અમે શૂટિંગનું શેડ્યૂલ આગળ વધાર્યું ન હતું. 200થી વધુ ક્રૂ સભ્યો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા અને તેમના રોજગારનો પ્રશ્ન હતો. સેટ તૈયાર થઈ ચૂક્યો હતો અને અન્ય કલાકારોની તારીખો પણ નક્કી હતી. શૂટિંગ મુલતવી રાખવાથી મોટું આર્થિક નુકસાન થાત, તેથી અમે બે-ત્રણ દિવસમાં આખું પાત્ર ફરીથી લખ્યું.'

નિર્માતાઓએ શૂટિંગ મુલતવી રાખવાને બદલે ત્રણ દિવસની અંદર સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યા. અક્ષયની ભૂમિકાને નવા પાત્રમાં બદલીને અભિનેતા જયદીપ અહલાવતને કાસ્ટ કરવામાં આવ્યા. અભિષેકે કહ્યું કે જ્યારે તેમણે જયદીપને ફોન કર્યો, ત્યારે તેમણે પહેલો સવાલ પૂછ્યો – 'કાસ્ટિંગ બદલાયું છે કે પાત્ર બદલાયું છે?' તેમને સ્પષ્ટ કરવામાં આવ્યું કે આખું પાત્ર બદલાઈ રહ્યું છે. નવી સ્ક્રિપ્ટ અને પાત્ર જયદીપને પસંદ પડ્યું અને તેઓ માત્ર પાંચ-છ દિવસમાં પ્રોજેક્ટ સાથે જોડાઈ ગયા.

'દૃશ્યમ' ફ્રેન્ચાઇઝીનો આ ત્રીજો અને છેલ્લો ભાગ થ્રિલર છે, જેમાં અજય દેવગન, તબ્બુ અને શ્રિયા સરન પોતાની જૂની ભૂમિકામાં પરત ફરી રહ્યાં છે, જ્યારે જયદીપ અહલાવત નવી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 2 ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.