ઉત્તરાખંડના હિલસ્ટેશન મસૂરીમાં ફિલ્મ શૂટિંગ કરી રહેલા અભિનેતા અક્ષય કુમારની તબિયત અચાનક લથડી હતી. તેમની પીઠમાં ખેંચાણ આવતાં શૂટિંગ અટકાવવું પડ્યું હતું. ઠંડીના કારણે પણ તેમને દુખાવો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
અક્ષય કુમારની ટીમના જણાવ્યા અનુસાર, મસૂરીના લાઇબ્રેરી ચોક ખાતે શૂટિંગ દરમિયાન તેમને અચાનક પીઠમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે શૂટિંગ વચ્ચે અટકાવવું પડ્યું. ત્યારબાદ તેમને દહેરાદૂનના રાજપુર સ્થિત એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે.
અક્ષય કુમાર મંગળવારે દિલ્હીથી કારમાં ઉત્તરાખંડ પહોંચ્યા હતા. તેમને મસૂરીમાં બે દિવસ શૂટિંગ કરવાનું હતું. મસૂરી પહોંચતી વખતે તેમણે ચાહકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.
તેઓ હાલમાં સાયન્સ-ફિક્શન સર્વાઇવલ થ્રિલર ફિલ્મ 'સમુક'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે, જ્યારે દિગ્દર્શન કનિષ્ક વર્મા કરી રહ્યા છે. ફિલ્મનું બ્રિટન શેડ્યૂલ તાજેતરમાં પૂર્ણ થયું છે અને તેને 2027માં રિલીઝ કરવાની યોજના છે.
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર અગાઉ પણ ઉત્તરાખંડમાં શૂટિંગ કરી ચૂક્યા છે. મે 2023માં તેમણે ફિલ્મ 'શંકરા'ના શૂટિંગ માટે રૂડકી અને આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કેદારનાથ અને બદ્રીનાથ ધામનાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. તેમણે દેહરાદૂનમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે તેમના સરકારી નિવાસસ્થાને મુલાકાત પણ કરી હતી.
આ પહેલાં 18 ફેબ્રુઆરી 2022ના રોજ તેઓ ફિલ્મ 'કઠપૂતલી'ના શૂટિંગ માટે મસૂરી અને દેહરાદૂન આવ્યા હતા. તે સમયે તેમણે સીમાદ્વાર સ્થિત ITBP પરિસરમાં વિશ્વસ્તરીય વૉલીબૉલ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કર્યું હતું અને જવાનો સાથે સદભાવના મેચ રમી હતી. તેમણે દેશની સુરક્ષામાં જવાનોના યોગદાનની પ્રશંસા કરી હતી.