લખનઉ: સમાજવાદી પાર્ટીએ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે રવિવારે યોજાયેલી બેઠકમાં દરેક વિધાનસભા સીટ પર ભાજપના 27,000 મત ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે, જે પરિવારો સાથે અન્યાય થયો છે, તેમને પાર્ટી સાથે જોડવામાં આવશે.
બેઠકમાં પાર્ટીએ પીડીએ (પિછડા, દલિત, અલ્પસંખ્યક) ઓડિટનો સાતમો રિપોર્ટ જાહેર કર્યો હતો. અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, 2017થી 2026 વચ્ચે ભાજપ સરકારના કાર્યકાળમાં ડૉ. ભીમરાવ આંબેડકરની 151થી વધુ મૂર્તિઓ તોડવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મૂર્તિઓને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહી છે, કારણ કે ભાજપ બંધારણ બદલવા માંગે છે. મૂર્તિઓ પર હુમલો થાય ત્યારે સૌથી પહેલાં એ હાથને નિશાન બનાવવામાં આવે છે, જેમાં બાબાસાહેબે બંધારણ પકડેલું છે.
અખિલેશના જણાવ્યા અનુસાર, રાજ્યના 72 જિલ્લાઓમાં આંબેડકરની મૂર્તિઓ તોડવાના કિસ્સા સામે આવ્યા છે. દર વર્ષે સરેરાશ 15 મૂર્તિઓ તોડવામાં આવી છે, પરંતુ માત્ર 14 કિસ્સાઓમાં જ કાર્યવાહી થઈ છે. આ આંકડાઓ દ્વારા તેમણે ભાજપ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતાં અખિલેશે કહ્યું કે, તેમણે પોતાના ગૃહ જિલ્લા ગોરખપુરના જેટલા પ્રવાસો કર્યા છે, તેટલા કોઈ મુખ્યમંત્રીએ કર્યા નથી. તેમણે બેરોજગારી અને સરકારી નોકરીઓની અછતનો મુદ્દો ઉઠાવતાં આરોપ લગાવ્યો કે, યુવાનોનો હક અને અનામત છીનવી લેવામાં આવ્યા છે. પેપર લીકના કારણે યુવાનો સરકારી નોકરીઓથી વંચિત રહ્યા છે અને દેશમાં સૌથી વધુ પેપર લીક ઉત્તર પ્રદેશમાં થયા છે.
અખિલેશે ખેડૂતોની જમીનના વળતર અને સર્કલ રેટ અંગે પણ સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે અયોધ્યામાં જમીન સંબંધિત મામલાઓનો હવાલો આપતાં મોટા પાયે જમીન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.