ઉત્તર પ્રદેશમાં 2026ની રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને સપાના ત્રીજા ઉમેદવારને જીતાડવામાં મદદ કરશે. જોકે, તેમણે એ પણ ઉમેર્યું કે, સંપર્કમાં રહેલા તમામ ધારાસભ્યોને પોતાની તરફ લાવી શકે તેમ નથી, કારણ કે ભવિષ્યમાં બધાને ટિકિટ આપવી કે એડજસ્ટ કરવું શક્ય નથી.
અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, જો 2024ની રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે 'વોટ ચોરી' કે 'ધારાસભ્ય ચોરી' ન કરી હોત તો તે સમયે પણ સપા પાસે ત્રણ સાંસદ હોત. ઉલ્લેખનીય છે કે, તે ચૂંટણી વખતે સપાના સાત ધારાસભ્યોએ બળવો કર્યો હતો અને ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.
2024ની રાજ્યસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાંથી ભાજપના તમામ આઠ ઉમેદવારો જીત્યા હતા, જ્યારે સપા તરફથી જયા બચ્ચન અને રામજી લાલ સુમન સંસદ પહોંચ્યા હતા. સપાના ત્રીજા ઉમેદવાર આલોક રંજન ક્રોસ વોટિંગના કારણે હારી ગયા હતા.
આ વખતે સપાએ રામગોપાલ યાદવ ઉપરાંત ધનરાજ પરિમલ નથવાણીને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પુત્ર અને રિલાયન્સ ગ્રૂપમાં વરિષ્ઠ અધિકારી છે. સપા દ્વારા તેમને ત્રીજા ઉમેદવાર તરીકે રજૂ કરાતાં અને ભાજપના ધારાસભ્યો સંપર્કમાં હોવાના દાવા બાદ ક્રોસ વોટિંગની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.