સત્ય. સાહસ. સંકલ્પ.

આકાશદીપ અને મુકેશ કુમાર ફરી ટેસ્ટ ટીમમાં પરત ફરી શકે છે, ઈરાની કપમાં બંનેનું શાનદાર પ્રદર્શન

આકાશદીપ અને મુકેશ કુમાર ફરી ટેસ્ટ ટીમમાં પરત ફરી શકે છે, ઈરાની કપમાં બંનેનું શાનદાર પ્રદર્શન

ભારતીય ટેસ્ટ ટીમમાં ફરી પરત ફરવા માટે ફાસ્ટ બોલર આકાશદીપ અને મુકેશ કુમાર માટે નવી આશા જોવા મળી રહી છે. બંને બોલરોએ ઈરાની કપમાં પોતાની ક્ષમતા દર્શાવીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. બંગાળ તરફથી રમતા આ બંને પેસરોએ સાથે મળીને કુલ 14 વિકેટ લીધી હતી.

રેસ્ટ ઑફ ઈન્ડિયા સામેની મેચમાં 167 રનની જીતમાં આકાશદીપે 6 વિકેટ અને મુકેશ કુમારે 8 વિકેટ ઝડપી હતી. બંનેની આ શાનદાર સ્પેલને કારણે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં તેમની વાપસીની ચર્ચાએ વેગ પકડ્યો છે.

આ ઉપરાંત, જાંઘની ઈજાથી પરેશાન પ્રસિદ્ધ કૃષ્ણા પણ જો ફિટનેસ ક્લિયરન્સ મળે તો ન્યૂઝીલેન્ડ પ્રવાસે જઈ શકે છે. ભારતનો આ પ્રવાસ 22 ઑક્ટોબરથી શરૂ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં 5 ટી-20, 5 વનડે અને 2 ટેસ્ટ મેચ રમાવાની છે.

ક્રિકબઝના અહેવાલ મુજબ, ન્યૂઝીલેન્ડની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટ આકાશદીપને રેડ-બૉલ પ્લાનના મહત્ત્વના ભાગ તરીકે જોઈ રહ્યું છે. તેઓ લગભગ 6 મહિના બાદ ઈરાની કપથી ક્રિકેટમાં પરત ફર્યા છે. આકાશદીપે ભારત માટે અત્યાર સુધી 10 ટેસ્ટ મેચમાં 28 વિકેટ લીધી છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામ ટેસ્ટમાં તેમણે 10 વિકેટ ઝડપી હતી. તેમની છેલ્લી ટેસ્ટ ઑગસ્ટ 2025માં ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે હતી.

મુકેશ કુમારની દાવેદારી પણ હવે મજબૂત બની છે. ઈરાની કપની બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ લીધા બાદ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમમાં તેમના પુનરાગમનની શક્યતા વધી ગઈ છે. અહેવાલો અનુસાર, ટીમ મેનેજમેન્ટ પસંદગીકારોને આકાશદીપ સાથે મુકેશના નામ પર પણ વિચાર કરવાની સલાહ આપી શકે છે. મુકેશે જુલાઈ 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને અત્યાર સુધી 3 ટેસ્ટ રમ્યા છે. તેમની છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2024માં ઈંગ્લેન્ડ સામેની હતી.

બીજી તરફ, પ્રસિદ્ધ કૃષ્ણાની ફિટનેસ અંગે પણ નિર્ણય લેવાનો બાકી છે. 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વનડે દરમિયાન તેમને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. તેઓ તે મેચમાં માત્ર 5 ઓવર બોલિંગ કરી શક્યા હતા અને ત્રીજી વનડેથી બહાર રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, તેમની ઈજા એટલી ગંભીર નથી કે તેમને સમગ્ર પ્રવાસમાંથી બહાર રહેવું પડે, પરંતુ તેમની પસંદગી સેન્ટર ઑફ એક્સેલન્સ (CoE) તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળવા પર નિર્ભર રહેશે.

જો આ ત્રણેય બોલર ટીમમાં જોડાય તો ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ વધુ મજબૂત બનશે. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ગુરનૂર બરાર સાથે આકાશદીપ અને મુકેશ કુમારને પણ રેડ-બૉલ ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. પ્રસિદ્ધ કૃષ્ણા ફિટ થશે તો તેઓ પણ ઝડપી બોલિંગના વિકલ્પોમાં ઉમેરાશે.

ભારતીય પસંદગી સમિતિ આગામી સપ્તાહે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી કરી શકે છે. ચીફ સિલેક્ટર તરીકે અજિત અગરકરનો કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો છે અને હાલમાં પ્રજ્ઞાન ઓઝાની આગેવાની હેઠળ ચાર સભ્યોની પસંદગી સમિતિ કાર્યરત છે.