રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ જિયોની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા અંગે મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે કંપની આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે, પરંતુ સેવા શરૂ થવાની ચોક્કસ તારીખ હાલ જાહેર કરવામાં આવશે નહીં. આ વાત તેમણે ‘ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026’ દરમિયાન ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં કહી.
ઈલોન મસ્કના સ્ટારલિંક અંગેના તાજેતરના નિવેદનો અને ભારતમાં ચાલી રહેલી ચર્ચા અંગે પૂછવામાં આવતા આકાશ અંબાણીએ આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે ટૂંકમાં ‘નો કોમેન્ટ્સ’ કહીને વાત ટાળી દીધી હતી. તેમણે ઉમેર્યું કે, “અમે અત્યારે માત્ર અમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ અને ભારતીય ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપવા માંગીએ છીએ.”
આકાશ અંબાણીએ જણાવ્યું કે ભવિષ્યમાં સેટેલાઇટ ટેક્નોલોજી સામાન્ય લોકો સુધી બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને એવા ઘરોમાં જ્યાં અત્યાર સુધી સામાન્ય બ્રોડબેન્ડ નેટવર્ક પહોંચી શક્યું નથી. તેમના જણાવ્યા અનુસાર, સેટેલાઇટનો સૌથી મોટો ઉપયોગ હોમ બ્રોડબેન્ડ ક્ષેત્રે થઈ શકે છે. આનાથી એવા વિસ્તારોમાં પણ સરળતાથી ઈન્ટરનેટ પહોંચાડી શકાશે જ્યાં ફાઈબર કે અન્ય નેટવર્ક કેબલ પાથરવા મુશ્કેલ છે. તેમણે કહ્યું કે જિયો પહેલેથી જ દેશના ખૂણે-ખૂણે ઘરો સુધી બ્રોડબેન્ડ પહોંચાડવા માટે કાર્યરત છે અને સેટેલાઇટ કનેક્ટિવિટી આ કાર્યને વધુ ગતિ આપશે.
આકાશ અંબાણીએ એ પણ માહિતી આપી હતી કે જિયો પોતાની સેટેલાઇટ સેવા માટે સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી વિકસાવવામાં મોટી પ્રગતિ કરી રહ્યું છે. કંપનીનો પ્રયાસ છે કે તેમની સેટેલાઇટ ટેક્નોલોજી વૈશ્વિક ધોરણો સમકક્ષ હોય અથવા તેનાથી પણ આગળ નીકળે. જિયોએ ભૂતકાળમાં પણ અન્ય ટેક્નોલોજીમાં આવું જ વિઝન દર્શાવ્યું છે અને હવે સેટેલાઇટ ઈન્ટરનેટમાં પણ એ જ સ્તરની ગુણવત્તા લાવવાની તૈયારી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં સેટેલાઇટ ઈન્ટરનેટ ક્ષેત્રે જિયોની સાથે ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક પણ ચર્ચામાં છે. સ્ટારલિંક ભારતના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટ પહોંચાડવાની તૈયારી કરી રહી છે, જ્યાં હાલમાં સામાન્ય બ્રોડબેન્ડ નેટવર્ક નહિવત્ છે. સ્ટારલિંકને ભારતમાં સેવાઓ આપવા માટેનું લાઇસન્સ મળી ચૂક્યું છે. આ ઉપરાંત જિયો અને એરટેલની વનવેબ પાસે પણ લાઇસન્સ છે. જોકે, વ્યાપારી સેવા શરૂ કરતાં પહેલાં સુરક્ષા અને સ્પેક્ટ્રમ ફાળવણી સંબંધિત કેટલીક નિયમનકારી મંજૂરીઓ બાકી છે.
ઈલોન મસ્કે અગાઉ આરોપ લગાવ્યો હતો કે કેટલાક ધનપતિ ઉદ્યોગપતિઓ ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, સરકારે આ દાવાને નકારી કાઢ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે સેટેલાઇટ સ્પેક્ટ્રમની ફાળવણી સંપૂર્ણ પારદર્શક અને ન્યાયી પદ્ધતિથી કરવામાં આવશે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જિયોની આ હાઇ-સ્પીડ સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા આખરે ક્યારે શરૂ થશે? આ અંગે આકાશ અંબાણીએ ચોક્કસ તારીખ આપવાનું ટાળ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ હાલ કોઈ ચોક્કસ લોન્ચ ડેટ જણાવવા માંગતા નથી. આનો સીધો અર્થ એ છે કે બેકએન્ડ પર કામ જોરશોરથી ચાલી રહ્યું છે, પરંતુ ગ્રાહકોએ આ સેવાનો લાભ લેવા માટે હજુ થોડી વધુ રાહ જોવી પડશે.