મહારાષ્ટ્રમાં જાન્યુઆરી 2026માં બારામતી ખાતે થયેલા અજિત પવારના વિમાન અકસ્માત મામલે રાજકીય વિવાદ ઊભો થયો છે. અજિત પવારના નિધનનાં 10 મહિના પછી શિવસેનાના વરિષ્ઠ નેતા રામદાસ કદમે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાંસદ સુનીલ તટકરે સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કદમે માંગ કરી છે કે આ દુર્ઘટનામાં તટકરેની ભૂમિકાની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ.
રામદાસ કદમે આક્રમક વલણ અપનાવતા કહ્યું કે સુનીલ તટકરે રાજકીય ફાયદા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે અને તેમની મહત્ત્વાકાંક્ષા ખૂબ મોટી છે. કદમે આરોપ લગાવ્યો કે, "આ માણસ કંઈ પણ કરી શકે છે, તેથી એ વાતની સઘન તપાસ થવી જોઈએ કે અજિત પવારના વિમાન અકસ્માતમાં કે હત્યાના કાવતરામાં તટકરે સામેલ હતા કે નહીં." ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેની શિવસેના અને સુનેત્રા અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી બંને હાલ મહારાષ્ટ્રની ભાજપ ગઠબંધનવાળી 'મહાયુતિ' સરકારનો હિસ્સો છે, જેના કારણે સત્તાધારી ગઠબંધન સામે જ સવાલો ઊભા થયા છે.
આ મામલે વિપક્ષી કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રામદાસ કદમે માત્ર નિવેદનો આપવાને બદલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવી જોઈએ જેથી સત્ય બહાર આવે. બીજી તરફ, સાંસદ સુનીલ તટકરેએ આ તમામ આરોપોને 'સંપૂર્ણપણે પાયાવિહોણા અને જૂઠા' ગણાવીને ફગાવી દીધા છે અને આ મામલે વિગતવાર ખુલાસો કરવા માટે એક પત્રકાર પરિષદ બોલાવવાની જાહેરાત કરી છે. તટકરેની પાર્ટીના પ્રવક્તાએ પણ આ વિવાદને માત્ર કોંકણ ક્ષેત્રની સ્થાનિક રાજકીય પ્રતિસ્પર્ધાનું પરિણામ ગણાવ્યું છે.