સત્ય. સાહસ. સંકલ્પ.

અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂરો થવાની શક્યતા, BCCI તરફથી કોઈ સંપર્ક નહીં

અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેનો કાર્યકાળ 4 ઓક્ટોબરે પૂરો થવાની શક્યતા, BCCI તરફથી કોઈ સંપર્ક નહીં

ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ ટૂંક સમયમાં પૂરો થવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, તેમનો કોન્ટ્રાક્ટ 4 ઓક્ટોબર સુધી ચાલશે. કોન્ટ્રાક્ટ લંબાવવા અંગે BCCI તરફથી અગરકર સાથે હજુ સુધી કોઈ સંપર્ક કરવામાં આવ્યો નથી.

અગરકરને જુલાઈ 2023માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેટલાક સપ્તાહ પહેલા તેમને એક વર્ષનું એક્સ્ટેન્શન મળવાના સમાચાર હતા, પરંતુ ત્યારપછી BCCI તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે અગરકરે પોતાના નજીકના કેટલાક લોકોને જણાવ્યું છે કે વેસ્ટ ઈન્ડીઝ સિરીઝ માટે ટીમની પસંદગી બાદ તેઓ BCCI સચિવ દેવજિત સૈકિયાને ઈમેલ દ્વારા આભાર પત્ર મોકલવાના છે. આ અંગે BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

BCCI ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડીઝ સામેની વનડે સિરીઝની જાહેરાત કરી શકે છે. આ દરમિયાન 19 સપ્ટેમ્બરથી એશિયન ગેમ્સ શરૂ થવાના કારણે ટીમમાંથી કેટલાક મોટા ખેલાડીઓ બહાર રહી શકે છે. ઋષભ પંતની બે વર્ષ બાદ વનડે ટીમમાં વાપસી થઈ શકે છે, જ્યારે હાર્દિક પંડ્યાની વાપસી ઉપરાંત ઋતુરાજ ગાયકવાડ અને રજત પાટીદારને પણ તક મળી શકે છે.

અગરકરના કાર્યકાળમાં ભારતીય ટીમે 2023 વનડે વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. ત્યારબાદ 2024 ટી20 વર્લ્ડ કપ, 2025 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2026 ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. કેટલાક દાવાઓ અનુસાર, રોહિત શર્મા સાથે જોડાયેલા મામલાને લઈને BCCIના ટોચના અધિકારીઓ અગરકરથી ખુશ ન હતા. આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.