સત્ય. સાહસ. સંકલ્પ.

પાન-મસાલા જાહેરાત વિવાદ: અજય દેવગણે બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરી

પાન-મસાલા જાહેરાત વિવાદ: અજય દેવગણે બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરી

બોલિવૂડ અભિનેતા અજય દેવગણે પાન-મસાલાની જાહેરાતને લઈને ચાલી રહેલા વિવાદમાં બોમ્બે હાઈકોર્ટમાં રાહત માટે અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તેમને પાન-મસાલાની જાહેરાતોમાં દેખાવા બદલ 'કારણ દર્શાવો' નોટિસ મોકલવામાં આવી હતી, જેને અભિનેતાએ કોર્ટમાં પડકારી છે.

અજય દેવગણની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્પાદક કંપની સામે કાર્યવાહી કરવાને બદલે તેમને આ નોટિસ અત્યંત મનસ્વી રીતે આપવામાં આવી છે. આ મામલે ચીફ જસ્ટિસ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને જસ્ટિસ અદ્વૈત સેઠનાની બેન્ચ આગામી 4 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરે તેવી સંભાવના છે.

FDAએ નોટિસમાં દાવો કર્યો હતો કે, પાન-મસાલાની જાહેરાતો દ્વારા મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પાન-મસાલાનો પરોક્ષ રીતે પ્રચાર (સરોગેટ એડવર્ટાઇઝિંગ) કરવામાં આવ્યો હતો. આ જ જાહેરાતોમાં દેખાવા બદલ અન્ય બોલિવૂડ કલાકારો શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફને પણ સમાન નોટિસ મોકલવામાં આવી હતી.

FDA કમિશનર તુકારામ મુંઢેના જણાવ્યા અનુસાર, નિયમોના કથિત ઉલ્લંઘન બદલ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ સામેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું જણાયું છે. આ કેસનો આગળનો અહેવાલ નિર્ણાયક કાર્યવાહી માટે આગામી સપ્તાહે સંબંધિત અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવશે. અજય દેવગણે હાઈકોર્ટમાં અરજી કરી હોવા છતાં વિભાગ તેની કાનૂની પ્રક્રિયા ચાલુ રાખશે.