બોલિવૂડના લોકપ્રિય કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. 5 નવેમ્બરની રાત્રે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને યોજાયેલી દિવાળી પાર્ટીમાં બંનેએ સાથે હાજરી આપી હતી.
બંને એકબીજાનો હાથ પકડીને પાર્ટીમાં પહોંચ્યા હતા અને ફોટોગ્રાફરો સામે પોઝ પણ આપ્યા હતા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે કપલની આ સાથેની મુલાકાતે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
પાર્ટી માટે ઐશ્વર્યાએ લાલ રંગની સાડી પસંદ કરી હતી. સાડીની ઝરી બોર્ડર અને સિક્વિન વર્કે તેમનો લુક ખાસ બનાવ્યો હતો. લાલ લિપસ્ટિક, નેકલેસ અને ખુલ્લા વાળ સાથે ઐશ્વર્યા પરંપરાગત અંદાજમાં જોવા મળી હતી. અભિષેક પણ પરંપરાગત પોશાકમાં નજરે પડ્યા હતા.
અભિષેકે તાજેતરમાં બીબીસી એશિયન નેટવર્ક સાથેની વાતચીતમાં ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના ગીત ‘કજરા રે’ સાથે જોડાયેલી યાદો તાજી કરી હતી. ગીતના શૂટિંગ દરમિયાન તેમનો જન્મદિવસ હોવાથી સેટ પર ઉજવણી કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. ‘કજરા રે 2.0’ બનાવવાની શક્યતા અંગે પૂછવામાં આવતાં તેમણે ઉત્સાહ દર્શાવ્યો હતો, પરંતુ આ માટે ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચનને મનાવવા પડશે એવી રમૂજી ટિપ્પણી પણ કરી હતી.
કામની વાત કરીએ તો ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’માં જોવા મળી હતી. અભિષેક સિદ્ધાર્થ આનંદની એક્શન ફિલ્મ ‘કિંગ’માં જોવા મળવાના છે, જેમાં શાહરુખ ખાન અને સુહાના ખાન પણ છે. અહેવાલો અનુસાર અભિષેક આ ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવશે.