સત્ય. સાહસ. સંકલ્પ.

TRAIના આદેશ પછી એરટેલ લાવ્યું 3 સસ્તા વોઇસ-ઓન્લી પ્લાન, ડેટા ચાર્જ વગર મળશે અનલિમિટેડ કોલિંગ

TRAIના આદેશ પછી એરટેલ લાવ્યું 3 સસ્તા વોઇસ-ઓન્લી પ્લાન, ડેટા ચાર્જ વગર મળશે અનલિમિટેડ કોલિંગ

મોંઘવારીના જમાનામાં સ્માર્ટફોન અને હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ડેટા પાછળ સામાન્ય માણસનો મોટો ખર્ચ થાય છે. પણ દેશમાં હજુ પણ લાખો લોકો એવા છે જે માત્ર કોલિંગ માટે સાદા 2G ફોનનો ઉપયોગ કરે છે. આવા ગ્રાહકોને મોંઘા ડેટા પ્લાનના ખર્ચમાંથી રાહત આપવા એરટેલે ત્રણ સસ્તા વોઇસ-ઓન્લી રિચાર્જ પ્લાન બજારમાં મૂક્યા છે.

ગયા મહિને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં 13મો સુધારો લાગુ કરીને તમામ ટેલિકોમ કંપનીઓને કડક સૂચના આપી હતી. આ સૂચના મુજબ કંપનીઓએ એવા સસ્તા પ્લાન લોન્ચ કરવાના હતા જેમાં ઈન્ટરનેટ ડેટાનો ચાર્જ ન હોય, જેથી સામાન્ય વર્ગને તે આસાનીથી પરવડી શકે. આ આદેશનું પાલન કરીને ડેટા વગરના સસ્તા વોઇસ પેક લોન્ચ કરનારી એરટેલ દેશની પહેલી ટેલિકોમ કંપની બની છે.

એરટેલ પાસે અગાઉથી બે વોઇસ-ઓન્લી પ્લાન ઉપલબ્ધ છે. કંપનીએ ગયા વર્ષની શરૂઆતમાં 84 દિવસ અને 365 દિવસની વેલિડિટીવાળા પ્લાન રજૂ કર્યા હતા. ઉપરાંત, કંપની પોતાના ગ્રાહકોને Airtel Thanks એપ દ્વારા ફ્રી HelloTunes સબ્સ્ક્રિપ્શનનો લાભ પણ આપી રહી છે.

નવા સસ્તા વોઇસ-ઓન્લી રિચાર્જ પ્લાનની શરૂઆત માત્ર 185 રૂપિયાથી થાય છે. કંપનીએ 185, 203 અને 206 રૂપિયાની કિંમતના ત્રણ અલગ-અલગ પ્લાન રજૂ કર્યા છે. તેની વિગતો નીચે મુજબ છે:

સૌથી સસ્તો પ્લાન 185 રૂપિયાનો છે, જેમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને મફત નેશનલ રોમિંગની સુવિધા આપવામાં આવે છે. ઉપરાંત, ગ્રાહકોને 300 મફત SMSનો લાભ પણ મળશે.

જો તમે પૂરા એક મહિનાનું એટલે કે 30 દિવસનું રિચાર્જ કરાવવા માંગતા હો, તો 203 રૂપિયાનો પ્લાન યોગ્ય છે. આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે. આમાં પણ આખા દેશમાં ફ્રી અનલિમિટેડ કોલિંગ, મફત નેશનલ રોમિંગ અને 300 ફ્રી SMSની સુવિધા સામેલ છે.

206 રૂપિયાનો પ્લાન થોડો ખાસ છે કારણ કે તેમાં કેલેન્ડર મહિના પ્રમાણેની વેલિડિટી મળે છે. એટલે કે, તમે જે તારીખે રિચાર્જ કરાવશો, આવતા મહિને બરાબર એ જ તારીખે તમારું રિચાર્જ પૂરું થશે. આ પેકમાં પણ યુઝર્સને દેશભરમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી રોમિંગ અને 300 SMSની ભેટ મળે છે.

આજના ડિજિટલ યુગમાં પણ ગામડાઓમાં રહેતા લોકો, વૃદ્ધો અને શ્રમિક વર્ગ મોંઘા સ્માર્ટફોન વાપરતો નથી. તેમના માટે ફોનનો મુખ્ય ઉપયોગ માત્ર સગાં-સંબંધીઓ સાથે વાતચીત કરવા પૂરતો જ મર્યાદિત હોય છે. આવા સમયે, ફરજિયાત ડેટા પેક સાથે આવતા મોંઘા રિચાર્જ કરાવવા તેમના માટે આર્થિક બોજારૂપ બની જતા હતા. પરંતુ એરટેલના આ નવા વોઇસ-ઓન્લી પ્લાન્સથી તેમના ખિસ્સા પરનો બોજ હળવો થશે. માત્ર વાતચીત કરવા માંગતા ગ્રાહકો હવે ખોટા ડેટા ચાર્જ ચૂકવ્યા વિના એકદમ વાજબી ભાવે પોતાના સ્વજનો સાથે જોડાયેલા રહી શકશે.