કેન્દ્ર સરકારે હવાઈ ભાડાં અંગે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન હેઠળ 1 જાન્યુઆરી 2027થી એરલાઇન્સ કંપનીઓ પોતાનો સંચાલન ખર્ચ ધ્યાનમાં રાખીને ભાડું નક્કી કરી શકશે. સરકાર આ બાબતે કોઈ દખલગીરી કરશે નહીં. જોકે, પારદર્શિતા જાળવવા માટે કંપનીઓએ ભાડાંની વિગતો DGCAને આપવી પડશે અને પોતાની વેબસાઇટ પર ભાડાંનું બ્રેકઅપ મૂકવું પડશે.
સરકારે ઈન્ડિયન એવિએશન રૂલ્સ 2026નું નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે આ નવી એરફેર પોલિસી 1 જાન્યુઆરી 2027થી દેશભરમાં લાગુ થશે. આ નિયમ અમલમાં આવ્યા બાદ એરલાઇન્સ કંપનીઓ પર ભાડું વધારવા અંગે સરકાર તરફથી કોઈ નિયંત્રણ રહેશે નહીં. જોકે, કોઈ અસાધારણ કે વિશેષ પરિસ્થિતિ ઊભી થશે તો પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હસ્તક્ષેપ કરી શકશે.
નવા નિયમ હેઠળ એરલાઇન્સ કંપનીઓને ભાડું નક્કી કરવાની છૂટ મળશે, પરંતુ તેની સાથે પારદર્શિતા જાળવવાની કડક સૂચના આપવામાં આવી છે. એરલાઇન્સે પોતાના ઓપરેશનલ ખર્ચ મુજબ ભાડું નક્કી કરવું પડશે અને તેની સંપૂર્ણ વિગતો DGCAને આપવી પડશે. ગ્રાહકો માટે પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી કંપનીઓએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પણ ભાડાંનું માળખું અપલોડ કરવું પડશે. કંપનીઓએ મુસાફરો સમક્ષ ટિકિટ ભાડાંનો સ્પષ્ટ બ્રેકઅપ રજૂ કરવો પડશે, જેમાં બેઝ ફેર, વિવિધ ટેક્સ, અન્ય ફી, કેન્સલેશન ચાર્જ અને રિફંડની તમામ માહિતી વિગતવાર દર્શાવવી ફરજિયાત રહેશે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિમાન ઇંધણ (ATF)ના ભાવમાં સતત ચોથા મહિને મોટો વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારથી એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં પ્રતિ લિટર ₹1.37 અને 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ₹10નો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં એટીએફની કિંમત ₹137.12 પ્રતિ લિટરથી વધીને ₹138.50 પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. આ અગાઉ 1 ઓક્ટોબરે એટીએફમાં પ્રતિ લિટર ₹16નો મોટો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે સપ્ટેમ્બરમાં ₹6.28 અને ઓગસ્ટમાં ₹5 પ્રતિ લિટરનો વધારો થયો હતો.
વિમાન ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે એરલાઇન્સ કંપનીઓના ઓપરેટિંગ ખર્ચ પર ભારે દબાણ સર્જાઈ રહ્યું છે. કોઈપણ એરલાઇનના કુલ સંચાલન ખર્ચમાં ATFનો હિસ્સો આશરે 40% જેટલો મોટો હોય છે. આવા સંજોગોમાં ઇંધણ મોંઘું થવાથી કંપનીઓનો ખર્ચ વધશે અને નવા નિયમો લાગુ થતાં કંપનીઓ આ બોજ સીધો સામાન્ય મુસાફરોના ખિસ્સા પર નાખી શકે છે, જેનાથી ભવિષ્યમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી બનવાની પૂરી શક્યતા છે.