દિવાળી પછી દેશના મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. આ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના એક અહેવાલનો ઉલ્લેખ કરીને સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.
જયરામ રમેશે કહ્યું કે, 'મોદી સરકાર લાંબા સમયથી એ વાત સ્વીકારવાનો ઇનકાર કરી રહી છે કે દેશમાં વાયુ પ્રદૂષણને કારણે લોકોના મોત થાય છે. સરકારે સંસદમાં અને તેની બહાર અનેક અહેવાલોને એમ કહીને ફગાવી દીધા છે કે આ અહેવાલો ભારતના સંદર્ભમાં યોગ્ય નથી અને તેની અસરો સીધી રીતે કે માત્ર એક જ કારણથી જોડાયેલી નથી. જોકે, હવે FICCI-EY નો એક વિગતવાર અહેવાલ સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 2023માં ભારતમાં લગભગ 20 લાખ (કુલ મોતના આશરે 22%) મૃત્યુ માટે વાયુ પ્રદૂષણ સીધું જવાબદાર હતું.'
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, 'આ અહેવાલ સરકાર માટે ચેતવણીરૂપ છે. વેપાર કરવાની સરળતા (ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ) સારી છે, પરંતુ સ્વચ્છ હવામાં શ્વાસ લેવો (ઇઝ ઓફ બ્રીધિંગ) તેના કરતાં પણ વધુ પાયાની જરૂરિયાત છે. ભારતના ઘણા વિસ્તારોમાં PM2.5 હવે જીવલેણ જોખમ બની ગયું છે.'
પ્રદૂષણ નિયંત્રણ માટે જયરામ રમેશે ત્રણ મુદ્દાનો રોડમેપ રજૂ કર્યો છે:
1. PM2.5 અને ઓઝોનના હાલના ધોરણો વધુ કડક કરીને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા સૂચવેલા સુરક્ષિત સ્તરોની સમકક્ષ લાવવા.
2. 'નેશનલ ક્લીન એયર પ્રોગ્રામ'માં સુધારો કરીને PM2.5 અને ઓઝોન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું.
3. 'વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981'ની જગ્યાએ નવો 'ક્લીન એયર એક્ટ' લાવવો, જે સંપૂર્ણપણે જાહેર આરોગ્ય પર કેન્દ્રિત હોય. તેમણે કહ્યું કે આ પગલું એટલા માટે જરૂરી છે કારણ કે વાયુ પ્રદૂષણના સ્રોતો અને લોકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસરો અંગે હવે ઘણા નવા પુરાવા સામે આવ્યા છે.
અંતમાં જયરામ રમેશે દાવો કર્યો કે, 'દેશના અગ્રણી ઉદ્યોગ સંગઠન FICCI તરફથી આવેલા આ વિશ્લેષણને મોદી સરકાર અવગણી શકે નહીં, કારણ કે આ સંગઠનનો લાંબો અને પ્રતિષ્ઠિત ઇતિહાસ રહ્યો છે.'