સત્ય. સાહસ. સંકલ્પ.

એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના નવા વડા, 31 ઓક્ટોબરે સંભાળશે ચાર્જ

એર માર્શલ આશુતોષ દીક્ષિત ભારતીય વાયુસેનાના નવા વડા, 31 ઓક્ટોબરે સંભાળશે ચાર્જ

ભારતીય વાયુસેનાના નવા વડા તરીકે એર માર્શલ આશુતોષ દીક્ષિતની નિમણૂક થઈ છે. તેઓ 31 ઓક્ટોબરે વાયુસેના પ્રમુખ (એર ચીફ માર્શલ) તરીકેનો ચાર્જ સંભાળશે. હાલમાં તેઓ વાયુસેનાના 51મા વાઈસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જે પદ તેમણે 1 જુલાઈ 2026ના રોજ સંભાળ્યું હતું.

એર માર્શલ દીક્ષિત 6 ડિસેમ્બર 1986ના રોજ વાયુસેનાની ફાઈટર સ્ટ્રીમમાં કમિશન થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (બાંગ્લાદેશ) અને નેશનલ ડિફેન્સ કોલેજ (નવી દિલ્હી)ના પૂર્વ વિદ્યાર્થી છે. એક કુશળ ફાઈટર પાઈલટ તરીકે જાણીતા દીક્ષિત પાસે 20થી વધુ પ્રકારના વિમાનો પર 3,300 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. જેમાં મિરાજ-2000, મિગ-21, જગુઆર, એન-32 અને હોક જેવા વિમાનોનો સમાવેશ થાય છે. તેઓ લાયકાત ધરાવતા ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર અને એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઈલટ પણ છે.

પોતાની કારકિર્દી દરમિયાન તેમણે ચીફ ઓફ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (CISC), એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ (સેન્ટ્રલ એર કમાન્ડ) અને ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ જેવા મહત્વના હોદ્દા સંભાળ્યા છે. ટેસ્ટ પાઈલટ તરીકે તેમણે જગુઆર અને મિગ-27ના એવિઓનિક્સ અપગ્રેડેશન સહિત ભારતના અનેક સ્વદેશી વિમાન વિકાસ પ્રોજેક્ટ્સમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત, 'ડિરેક્ટર ઓફ એર સ્ટાફ રિક્વાયરમેન્ટ્સ' તરીકે તેમણે મીડિયમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA) ટ્રાયલ્સના આયોજન અને સંચાલનમાં મુખ્ય યોગદાન આપ્યું હતું.

તેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ચલાવવામાં આવેલા 'ઓપરેશન સફેદ સાગર' અને 'ઓપરેશન રક્ષક' જેવા મહત્વપૂર્ણ સૈન્ય અભિયાનોમાં સીધો ભાગ લીધો હતો. તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ તેમને રાષ્ટ્રપતિ દ્વારા અનેક પ્રતિષ્ઠિત મેડલથી નવાજવામાં આવ્યા છે, જેમાં પરમ વિશિષ્ટ સેવા મેડલ (PVSM) - 2026, અતિ વિશિષ્ટ સેવા મેડલ (AVSM) - 2023, વાયુસેના મેડલ (VM) - 2006 અને વિશિષ્ટ સેવા મેડલ (VSM) - 2011નો સમાવેશ થાય છે.

એર માર્શલ આશુતોષ દીક્ષિતનો લાંબો અનુભવ અને સ્વદેશી વિમાન ઉત્પાદનમાં તેમનું યોગદાન ભારતીય વાયુસેનાના આધુનિકીકરણ અને 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.