સત્ય. સાહસ. સંકલ્પ.

એર ઈન્ડિયાના પાઈલટનો ગાંજાનો ટેસ્ટ પોઝિટિવ, વિમાન અચાનક 300 ફૂટ નીચે આવ્યું

એર ઈન્ડિયાના પાઈલટનો ગાંજાનો ટેસ્ટ પોઝિટિવ, વિમાન અચાનક 300 ફૂટ નીચે આવ્યું

ફુકેટથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2379 ઓડિશાના આકાશમાં અચાનક 300 ફૂટ નીચે આવી ગઈ હતી. આ ઘટનામાં 20 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા.

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટના સમયે વિમાનના પાઈલટનો સાયકોએક્ટિવ (નશીલા) પદાર્થનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મીડિયા અહેવાલો મુજબ, આ ટેસ્ટથી સ્પષ્ટ થયું કે પાઈલટે ગાંજાનું સેવન કર્યું હતું.

ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ નિયમ મુજબ ક્રૂ મેમ્બર્સનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બ્રેથ-એનાલાઈઝર તપાસમાં રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, પરંતુ સાયકોએક્ટિવ સબસ્ટન્સ ડિટેક્શન કિટ દ્વારા કરાયેલા ટેસ્ટમાં ગડબડ સામે આવી હતી. ત્યારબાદ લેવાયેલા બ્લડ સેમ્પલના રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી.

ઘટના સમયે વિમાનમાં કુલ 145 લોકો સવાર હતા, જેમાં 3 બાળકો સહિત 137 મુસાફરો, 6 કેબિન ક્રૂ અને 2 ફ્લાઈટ ક્રૂ સભ્યોનો સમાવેશ થતો હતો. ફ્લાઈટ અચાનક નીચે ફેંકાતાં ઓછામાં ઓછા 20 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. શરૂઆતમાં એવું જણાવવામાં આવ્યું હતું કે વિમાન ખરાબ હવામાન કે ટર્બ્યુલન્સમાં ફસાયું હતું, પરંતુ હવે તપાસમાં પાઈલટના નશામાં હોવાની બાબત સામે આવી છે.

હાલ આ સમગ્ર મામલાની ટેકનિકલ અને અન્ય પાસાઓ પરથી ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.