પશ્ચિમ બંગાળના કોલકાતા સ્થિત નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારે સવારે એર ઈન્ડિયાની મુંબઈ જતી ફ્લાઈટમાં હાઈજેકની ધમકીની જાણ થતાં સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. વિમાનના ટોઈલેટના મિરર પર ધમકીભર્યો મેસેજ લખેલો મળી આવ્યો હતો.
આ મેસેજ જોતાં જ પાયલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી હતી. સૂચના મળતાં જ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી અને વિમાનને આઈસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાની આ ફ્લાઈટ મુંબઈ જવા માટે તૈયારી કરી રહી હતી ત્યારે જ આ ઘટના બની હતી. પાયલટની જાગૃતિને કારણે એરપોર્ટ પરના સુરક્ષા અધિકારીઓને તરત જ ચેતવણી આપવામાં આવી હતી અને પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી.
હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાએ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.