એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના એરક્રાફ્ટના લુક પછી હવે કેબિન ક્રૂ અને ફ્રન્ટલાઇન સ્ટાફનો યુનિફોર્મ બદલી નાખ્યો છે. ૧ સપ્ટેમ્બરથી આ નવો યુનિફોર્મ લાગુ કરવામાં આવ્યો છે. ટાટા ગ્રુપની આ એરલાઇને ભારતીય કાપડ પરંપરાઓને આધુનિક અને સમકાલીન વોર્ડરોબમાં સામેલ કરી છે.
નવા યુનિફોર્મમાં કેળાના કુદરતી રેસામાંથી બનેલા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે કાંજીવરમ, પટોળા અને ગમોસા ક્રાફ્ટ ડિઝાઇન ઉમેરવામાં આવી છે.
આ નવો લુક માત્ર કેબિન ક્રૂ એટલે કે એર હોસ્ટેસ અને ફ્લાઇટ એટેન્ડન્ટ્સ પૂરતો મર્યાદિત નથી. એરલાઇને એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ, એવિએશન સિક્યુરિટી ટીમ અને ફ્લાઇટ ઓપરેશન્સ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ માટે નવો યુનિફોર્મ લાગુ કર્યો છે. તેમાં માત્ર સુવિધા જ નહીં, પરંતુ કપડાંની સુંદર અને આકર્ષક ડિઝાઇનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
મહિલા કર્મચારીઓના યુનિફોર્મને કુર્તી સ્ટાઇલમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેની સાથે મોર્ડન જેકેટ, સ્કાર્ફ અને પોકેટ સ્ક્વેર જોડવામાં આવ્યા છે. આ ડિઝાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસના ઇન-હાઉસ ડિઝાઇનર પૂજા કૃષ્ણન દ્વારા તૈયાર કરવામાં આવી છે. પુરુષોના કેબિન ક્રૂનો યુનિફોર્મ 'ટ્રેન્ટ લિમિટેડ' સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસે તેની લાંબા સમયથી ચાલી આવતી લાલ રંગની ઓળખને બદલીને હવે 'એક્સપ્રેસ બ્લુ' અને 'એક્સપ્રેસ ઓરેન્જ' થીમ અપનાવી છે. આ બદલાવ અને વાદળી રંગના નવા કોમ્બિનેશનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
યુનિફોર્મ માટે બનાના ક્રેપ ફેબ્રિક એટલે કે કેળાના કુદરતી રેસામાંથી બનેલા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કપડું હલકું, હવાવાળું અને ટકાઉ છે. જેથી લાંબી શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને આખો સમય આરામ મળશે અને કપડાંની ફિટિંગ પણ જળવાઈ રહેશે.
આ નવો યુનિફોર્મ એર ઇન્ડિયા એક્સપ્રેસની 'ટેલ્સ ઓફ ઇન્ડિયા' થીમનો ભાગ છે. અગાઉ એરલાઇને પોતાના પ્લેનના પાછળના ભાગ (ટેલ આર્ટ) પર ભારતીય કલા અને સંસ્કૃતિની ઝલક બતાવી હતી. હવે તે જ સાંસ્કૃતિક રંગો યુનિફોર્મ દ્વારા દેખાશે.