કેરળના કોચી એરપોર્ટ પરથી અબુ ધાબી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ઉડાન દરમિયાન ઇંધણની કટોકટી સર્જાઈ હતી. ફ્લાઇટ નંબર IX 415ના બોઇંગ 737 વિમાનને ટેક-ઓફના આશરે 50 મિનિટ બાદ 36,000 ફૂટની ઊંચાઈએ એન્જિન નંબર 1માં ઇંધણનું પ્રમાણ ઝડપથી ઘટતું જણાયું હતું.
ક્રૂ મેમ્બર્સે તાત્કાલિક ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂક્યો હતો. ઇંધણના દબાણમાં ઘટાડો થતાં એન્જિનનો ઇંધણ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને વિમાનને પરત કોચી તરફ વાળવાનો નિર્ણય લેવાયો હતો.
આ સમયસૂચકતાને કારણે વિમાને કોચી એરપોર્ટ પર સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સલામત છે.
લેન્ડિંગ બાદ વિમાનને તપાસ માટે ખસેડવામાં આવ્યું છે અને તેણે ફરી ઉડાન ભરી નથી. આ તકનીકી ખામીનું કારણ અને જવાબદારી નક્કી કરવા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, એરલાઇન અથવા એરપોર્ટ ઓથોરિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.