સત્ય. સાહસ. સંકલ્પ.

બેંગકોક-મુંબઈ એર ઈન્ડિયા ફ્લાઇટમાં મુસાફરનો હોબાળો, પાઇલટે વિમાન પાછું વાળ્યું

બેંગકોક-મુંબઈ એર ઈન્ડિયા ફ્લાઇટમાં મુસાફરનો હોબાળો, પાઇલટે વિમાન પાછું વાળ્યું

બેંગકોકથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 2338ને એક મુસાફરના હોબાળાને કારણે પરત ફરવું પડ્યું હતું. વિમાને બુધવારે રાત્રે 8:20 વાગ્યે બેંગકોકના સુવર્ણભૂમિ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ત્યારબાદ મુસાફરના વિચિત્ર વર્તનને કારણે પાઇલટે વિમાનને પરત લઈ જવાનો નિર્ણય કર્યો. વિમાન રાત્રે 10:40 વાગ્યે બેંગકોક એરપોર્ટ પર ઉતર્યું.

વિમાનમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે એક ભારતીય મુસાફર વિચિત્ર રીતે વર્તી રહ્યો હતો અને હોબાળો કરી રહ્યો હતો. પરિસ્થિતિને જોતા પાઇલટે જાહેરાત કરી કે વિમાનને પરત બેંગકોક લઈ જવામાં આવી રહ્યું છે.

વિમાન બેંગકોકમાં ઉતર્યા બાદ મેડિકલ ટીમ પહોંચી અને મુસાફરને પોતાની સાથે લઈ ગઈ. હાલ મુસાફરે આ રીતે વર્તન શા માટે કર્યું અને તેની તબિયત અંગે કોઈ માહિતી સામે આવી નથી.

આના 45 મિનિટ બાદ ફ્લાઇટે બેંગકોકથી મુંબઈ માટે ઉડાન ભરી. એર ઈન્ડિયા તરફથી પણ આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વિમાનમાં હોબાળો કરનાર મુસાફર સામે તેના વર્તન મુજબ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જો મુસાફર ક્રૂના નિર્દેશોનું પાલન ન કરે, કોઈને ધમકી આપે અથવા વિમાનની સુરક્ષામાં અડચણ ઊભી કરે, તો મામલો ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં પાયલટને વિમાન પરત લઈ જવાનો નિર્ણય પણ લેવો પડી શકે છે.

વિમાનમાં થતા ગુનાઓનો સામનો કરવા માટે 1963માં ટોક્યો કન્વેન્શન થયું હતું. આ આંતરરાષ્ટ્રીય કરાર વિમાનની અંદર થતા ગુનાઓ અથવા શિસ્ત ભંગની ઘટનાઓ સાથે જોડાયેલા અધિકારો અને જવાબદારીઓ નક્કી કરે છે.

ઉલ્લેખનીય છે કે 8 સપ્ટેમ્બરના રોજ દુબઈથી જયપુર આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક મુસાફરે ઇમરજન્સી એક્ઝિટ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. ક્રૂ મેમ્બરે તેને રોકી લીધો હતો. જયપુર એરપોર્ટ પર વિમાન ઉતર્યા બાદ મુસાફરને સુરક્ષા એજન્સીઓને સોંપી દેવામાં આવ્યો હતો.