ઇટાલીમાં AI આધારિત ફ્રોડનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. ઇન્ટેસા સાનપાઓલો ગ્રુપની ફિડેરમ બેંક સાથે લગભગ 95 મિલિયન યુરો એટલે કે આશરે ₹1,034 કરોડની છેતરપિંડી થઈ છે.
આ ઘટના ફેબ્રુઆરી 2026ની છે. ફિડેરમના તત્કાલીન પ્રમુખ પાઓલો મોલેસિનીને WhatsApp પર એક મેસેજ મળ્યો હતો, જે ઇન્ટેસા સાનપાઓલોના CEO કાર્લો મેસિનાએ મોકલ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. તેમાં વિદેશમાં થનારા એક મહત્ત્વના નાણાકીય વ્યવહાર માટે તાત્કાલિક મદબ માંગવામાં આવી હતી.
ત્યારબાદ ઠગોએ એક જાણીતી આંતરરાષ્ટ્રીય લૉ ફર્મના વકીલ હોવાનો ઢોંગ કરીને મોલેસિનીને ફોન કર્યો. આ ફોનમાં વકીલના અવાજની નકલ કરવા માટે AI આધારિત વૉઇસ ક્લોનિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોલેસિની વકીલને ઓળખતા હોવાથી તેમને આ ફોન સાચો લાગ્યો.
મેસેજ અને ફોન કોલ સાચા હોવાનું માનીને મોલેસિનીએ બેંકના ટ્રેઝરી વિભાગને વિદેશી બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. મુખ્યત્વે ચીન અને હોંગકોંગના ખાતામાં કરોડો યુરો ટ્રાન્સફર કરવામાં આવ્યા.
ફ્રોડની જાણ થતાં ફિડેરમે આંતરરાષ્ટ્રીય બેંકિંગ સહયોગની મદદથી પૈસા પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી. સૂત્રો અનુસાર, 95 મિલિયન યુરોમાંથી મોટી રકમનો એક હિસ્સો પરત મેળવવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 36 મિલિયન યુરો હજુ શોધવાના બાકી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બાકી રહેલી રકમનો એક હિસ્સો ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને ટ્રેક કરવું મુશ્કેલ બન્યું છે. મિલાનના તપાસકર્તાઓ આ રકમ અને ફ્રોડ પાછળના લોકો સુધી પહોંચવા માટે આંતરરાષ્ટ્રીય તપાસ કરી રહ્યા છે.
આ કેસમાં પાઓલો મોલેસિની સામે તપાસ ચાલી રહી નથી. તેમણે માર્ચ 2026માં વ્યક્તિગત કારણોસર ફિડેરમના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. મિલાનના પ્રોસિક્યુટર્સે આ છેતરપિંડીના સંબંધમાં એક વિદેશી વ્યક્તિ સામે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાએ બતાવ્યું છે કે AI આધારિત વૉઇસ ક્લોનિંગ અને નકલી મેસેજનો ઉપયોગ કરીને વરિષ્ઠ અધિકારીઓને પણ છેતરવાનો પ્રયાસ થઈ શકે છે. ઇન્ટેસા સાનપાઓલોના સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ, 2026ની શરૂઆતથી બેંકે AIથી બનાવેલા લગભગ 5,000 ફેક વીડિયો દૂર કર્યા છે, જેમાંથી મોટાભાગના CEO કાર્લો મેસિના સાથે સંબંધિત હતા.