દાયકાઓ સુધી લોકો જમીન, મકાન અને દુકાનો જેવી મિલકતોમાં રોકાણ કરતા હતા. પછી સમય જતાં શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા. વર્ષ 2000 પછી ઇન્ટરનેટનો ઉપયોગ વધતાં વેબસાઇટ અને એપ્લિકેશન જેવી ડિજિટલ મિલકતમાં રોકાણ કરવાનું નવું બજાર ઊભું થયું, જેને ડિજિટલ રિયલ એસ્ટેટ કહેવામાં આવે છે. આ વર્ચ્યુઅલ મિલકત બનાવતા IT પ્રોફેશનલ્સની માંગ પણ ઘણી વધી ગઈ હતી. પરંતુ હવે આ ધંધાનો યુગ માત્ર 25 વર્ષમાં આથમી રહ્યો છે.
અગાઉ વેબસાઇટ કે એપ બનાવવામાં મહિનાઓ લાગતા હતા. હવે એઆઈ (કૃત્રિમ બુદ્ધિ) દ્વારા સાદા પ્રોમ્પ્ટથી ગણતરીની મિનિટોમાં અને નજીવા ખર્ચે વેબસાઇટ બની જાય છે. તેની સીધી અસર IT પ્રોફેશનલ્સની નોકરી પર પડી રહી છે. એક અંદાજ મુજબ અમદાવાદમાં આગામી સમયમાં 30 ટકાથી વધુ IT પ્રોફેશનલ્સ નોકરી ગુમાવશે.
ઓરેકલ, એમેઝોન, ડેલ અને માઇક્રોસોફ્ટ જેવી વૈશ્વિક કંપનીઓ તથા વિપરો અને ટીસીએસ જેવી ભારતીય કંપનીઓમાં પણ એઆઈ ઓટોમેશનને કારણે હજારો કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે. આ લહેર હવે અમદાવાદ સુધી પહોંચી ગઈ છે.
જ્યાં પહેલાં 10 કોડર્સની ટીમ કામ કરતી હતી, ત્યાં હવે 5-6 કોડર્સ એઆઈની મદદથી કામ પૂરું કરી લે છે. 300 લોકોની ટીમની જગ્યાએ હવે માંડ 200 લોકોની જરૂર પડે છે. કંપનીઓ હવે ડેવલપર, કોડર અને એન્જિનિયર જેવા એઆઈ બોટ બનાવીને તેમને કર્મચારીઓની જેમ રોજિંદી કામગીરી સોંપી રહી છે.
અહેવાલો મુજબ અમદાવાદમાં 3,700 આઈટી ફર્મ અને 1.25થી 1.50 લાખ આઈટી પ્રોફેશનલ્સ છે. એઆઈ આવ્યા બાદ આગામી દિવસોમાં આશરે 30 ટકા એટલે કે 45,000 કર્મચારીઓને છૂટા કરવામાં આવે તેવી સંભાવના છે. મોટાભાગની આઈટી કંપનીઓએ જુનિયર લેવલ પર નવી ભરતીઓ લગભગ બંધ કરી દીધી હોવાથી અભ્યાસ પૂરો કરનાર યુવાનો માટે નોકરી શોધવી મુશ્કેલ બની છે.
અગાઉ વિદેશ કરતાં ભારતમાં વેબસાઇટ અને એપ બનાવવાનો ખર્ચ ઓછો હોવાથી અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશો ભારતની આઈટી ફર્મ્સ પાસે કામ કરાવતા હતા. પરંતુ એઆઈ આવ્યા બાદ વિદેશી ગ્રાહકો પણ ઘટી ગયા છે.
પહેલાં વેબ ડેવલપર્સ કલાકો સુધી કોડિંગ કરીને ગેમિંગ, સોસાયટી, આરોગ્ય અને શિક્ષણ સંબંધિત વેબસાઇટ 25,000થી એક લાખ રૂપિયામાં અને ડેટા એનાલિટિક્સ ફીચરવાળી વેબસાઇટ 7થી 10 લાખ રૂપિયામાં વેચતા હતા. ડોમેઇન ઇન્વેસ્ટર્સ અમુક કીવર્ડ સાથેના ડોમેઇન ખરીદીને રાખતા અને લોકપ્રિય થયા બાદ હરાજીમાં ઊંચા ભાવે વેચતા. ઉદાહરણ તરીકે, ગુજરાત, અમદાવાદ કે ગુજ્જુ જેવા 5-7 અક્ષરના ડોમેઇનના ભાવ 4થી 5 લાખ રૂપિયા સુધી બોલાતા હતા, જેનો ક્રેઝ હવે ઓસરી રહ્યો છે.
ડિજિટલ પ્રોપર્ટી એટલે શું?
વેબસાઇટ: ભૌતિક દુકાનની જેમ જ દરેક કંપની કે દુકાનની વેબસાઇટ તેનું ઓનલાઈન સરનામું છે. વધુ ગ્રાહકો આવતી વેબસાઇટની બજારકિંમત ઊંચી ગણાય છે.
ડોમેઇન: .com કે .in જેવા વેબસાઇટના નામ ખરીદવા માટે હરાજી થાય છે.
એપ્લિકેશન: હોસ્પિટલ, શાળા, કોલેજ, સરકારી સેવાઓ અને ખાનગી કંપનીઓના સંચાલન માટે બનતી એપ્સ પણ તેનો ભાગ છે.
સોશિયલ મીડિયા એકાઉન્ટ: યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા એકાઉન્ટ પર ડિજિટલ ઓડિયન્સ ઊભી કરીને તેની કિંમત નક્કી કરી વેચવામાં આવે છે.
કોની નોકરીઓ પર જોખમ?
જોખમવાળા વ્યવસાયો: જુનિયર કોડર્સ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ફીચર ફેક્ટરી ડેવલપર, વેબ ડેવલપર, બેઝિક ટેસ્ટ એન્જિનિયર અને વેબ ડિઝાઇનર.
વૈકલ્પિક વ્યવસાયો: ખાણી-પીણીના સ્ટોલ કે કેફે જેવા વ્યવસાયો IT પ્રોફેશનલ્સ માટે નવો રસ્તો બની શકે છે.